કપચી ભરેલો ટ્રક વોંકળામાં ખાબક્યા બાદ પાલિકા મસમોટો ખાડો રીપેર કરવાનું વિસરી ગઈ : માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી લોકો ત્રાહિમામમોરબી : મોરબી પાલિકા કચેરીથી રવાપર રોડ સુધી સિમેન્ટ રોડ બનાવવાના પ્રોજેક્ટમાં ઓવરલોડ કપચી ભરીને નીકળેલો ટ્રક વોકળામાં ખાબક્યા બાદ આ ઘટનાને 15 દિવસથી વધુ સમય વીતવા છતાં પણ હજુ સુધી પાલિકાતંત્રને આ મોતના કુવા જેવો ખાડો પુરવાનું મુહૂર્ત ન આવતા આ મોતનો ખાડો કોઈની બલી લેવાની ફિરાકમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સાથે જ મસમોટા ગાબડામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હોવાનું ફરિયાદ ઉઠી છે.મોરબીના જાગૃત નાગરિક દિલીપ સુરાણીએ પાલિકા તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, શહેરના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમા પંદર દિવસ પહેલા પહેલા કોંક્રીટ ભરેલ ટ્રક વોકળા નીચે પસાર થતી ગટર ઉપરથી પસાર થયો ત્યારે ગટરની છત તૂટી પડી અને અકસ્માત થયેલ જેમા મોટરસાઈકલ ચાલક મહિલાઓ દબાઈ ગયેલ હતી પરંતુ સદનસીબે ત્યાના રાહદારીઓ અને શોપીંગ ધારકોએ સમય સૂચકતા વાપરી બચાવી લીધેલ હતી પરંતુ આ દુર્ઘટના બાદ હજુ પણ મોરબી પાલિકા તંત્ર જાગ્યું ન હોય તેવું ફલિત થઇ રહ્યું છે.વધુમાં જાગૃત નાગરિક દિલીપભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં રવાપર રોડની કામગીરીને કારણે ટ્રાફિકનો પ્રશ્ન વકર્યો છે ત્યારે મોરબીનુ પાલિકા તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે આ અકસ્માત સર્જાયાના 15 દિવસ વીતવા છતા પાલિકાના અધિકારીઓએ આ મસમોટા ગાબડાને રીપેર કરવા તસ્દી લીધી નથી અને કોઈ આ ગટરમાં પડે અને અઘટિત ઘટે પછી જ રીપેરીંગ કાર્ય કરશે ? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. હાલમાં અહીં ગટર ખુલ્લી હોવાથી એટલી બધી દુર્ગંધ આવે છે કે ત્યાંથી પસાર થતા નાગરિકો તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારીઓને અહીં રહેવું મુશ્કેલ બન્યું હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું હતું.