વાંકાનેર : 5 જૂનના રોજ ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાંકાનેરના જાણીતા મિટ્ટી કુલના માટી કલાકાર અને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર મનસુખભાઈ પ્રજાપતિએ વિશ્વ પર્યાવરણ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મનસુખભાઈ પ્રજાપતિએ ટોકન દરે 1 હજાર જેટલા રોપાનું લોકોને વિતરણ કર્યું હતું.આ તકે મનસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે. દિવસે દિવસે ગરમીનો પારો ઉચો જઈ રહ્યો છે. તેથી આપણે બધાએ દેશ માટે પર્યાવરણ પ્રેમી તરીકે વૃક્ષનું જતન કરવું અને વૃક્ષનું વાવેતર કરવું એ આપણી ફરજ છે. તેથી વિશ્વ પર્યાવરણ દિવસે મેં 1 હજારથી વધુ રોપાનું વિતરણ કર્યું છે. જેમાં ગુલાબ, આસોપાલવ સહિતના નાના-મોટા ફૂલ-છોડ અને વૃક્ષના રોપાનું વિતરણ કર્યું છે. 1 હજાર જેટલા રોપા લાવીને લોકોને આપ્યા છે. તેથી 1 હજાર ઘરમાં આ વૃક્ષનું જતન થશે. માત્ર 10 રૂપિયાના ટોકન દરે આ રોપા આપવામાં આવ્યા છે. આપણે સૌ સાથે મળીને વૃક્ષનું વાવેતર કરીએ. મનસુખભાઈ પ્રજાપતિના આ કાર્યને લોકોએ પણ વધાવ્યું હતું અને મનસુખભાઈના કામની સરાહના કરી હતી.