ઢાંકીથી ટીકર સુધી 9 કરોડના ખર્ચે કેનાલનું રીપેરીંગ કરાયું : તપાસ કરી પાણી છોડવા સરકારને રજૂઆત કરશેમોરબી : ખેડૂતો માટે આશીર્વાદ સમાન નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી છેક કચ્છ સુધી પહોંચી રહ્યું છે. ત્યારે આ કેનાલ ઘણી જગ્યાએ તૂટી જતા નવ વર્ષ બાદ 9 કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવતા હવે ટિકરથી ઘાટીલા સુધી સંપૂર્ણ કેનાલનું હળવદ અને માળીયા ધારાસભ્ય દ્વારા શનિવારે ચેકીંગ કરવામાં આવશે.મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, શનિવારે તેઓ તેમજ હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ટિકરથી ઘાટીલા સુધી કેનાલનું ઈન્સ્પેક્શન કરીને કામગીરી અંગેની જાણકારી મેળવશે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કેનાલ રિપેરિંગ બદલ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી છેક માળીયા સુધી પહોંચી રહ્યું છે. આ કેનાલ 9 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવી છે. કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોનો પણ આભાર કે ત્રણ મહિના પાણી વિના રિપેરિંગનું કામકાજ ચાલું રહ્યું અને સાથ સહકાર આપ્યો. કેનાલ રિપેરિંગનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શનિવારે તારીખ 8 જૂનના રોજ સવારે 8-30 વાગ્યે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને અન્ય કાર્યકરો ટીકર ખાતે કેનાલ પર એકઠાં થશે અને છેક ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરશે. જેમાં ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી થઈ ગઈ છે કે કેમ તેની તપાસ કરશે. ત્યારબાદ સોમવારે સરકારમાં રજૂઆત કરીને ઝડપથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. તો કાર્યકરોને શનિવારે ટીકર કેનાલ ખાતે એકઠાં થવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અંતમા જણાવ્યું હતું.