ઉમા રેસિડેન્સી સામેના વિસ્તારમાં પાણી ન મળતા દેકારોમોરબી : મોરબી શહેરમાં પાણીની સમસ્યા જાણે દરરોજનો પ્રશ્ન બની ગયો છે. પાણીથી વંચિત લોકો નગરપાલિકા કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ પાણીની સમસ્યા હલ થઈ રહી ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે ત્યારે આજે ઉમા રેસિડેન્સી સામેના વિસ્તારની મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો.મોરબીના પંચાસર રોડ પર આવેલી ઉમા રેસિડેન્સીની સામેના વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદભવી હોય મહિલાઓ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી.મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવેલા મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા છે. મોટરથી ખેંચીએ તો પણ પાણી આવતું નથી, જેથી અમારે સ્વ ખર્ચે ટાંકા મંગાવવા પડી રહ્યા છે.વધુમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, પાલિકામાં રજૂઆત કરી છે અને અહીંયાથી જવાબ મળ્યો છે કે પાણી આપવામાં આવશે. આમ છતાં પણ પાણી નહીં આવે તો અમે ફરીથી પાલિકા કચેરીએ આવીને ઉગ્ર રજૂઆત કરીશું તેમ અંતમાં જણાવ્યું હતું.