જામનગર સ્થિત આર્મી હેડક્વાટર્સના અધિકારીઓ મોરબીની માહિતી મેળવશેરાજકોટ : આગામી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં લશ્કરની મદદની જરૂરત પડે તો રાજકોટ અને મોરબી જિલ્લાની જવાબદારી જામનગર હેડ ક્વાટર્સ ધરાવતી મદ્રાસ રેજિમેન્ટને સોંપવામાં આવી છે, મદ્રાસ રેજીમેન્ટના અધિકારીઓએ બુધવારે રાજકોટની ભૌગોલિક અને ઔદ્યોગિક વિગતો મેળવી હતી તેઓ ટૂંક સમયમાં મોરબી જિલ્લાની પણ માહિતી એકત્ર કરશે.કુદરતી કે માનવ સર્જિત આપદા વેળાએ જયારે સ્થાનિક અને એનડીઆરએફ કે એસડીઆરએફ જેવી બચાવ ટુકડીઓની હાજરી વચ્ચે પણ વધુ મદદની જરૂર પડે તો દેશ સેવા માટે સતત ખડેપગે રહેતા લશ્કરના જવાનોને યાદ કરવામાં આવે છે, ખાસ કરીને પૂર હોનારત તેમજ વાવાઝોડા સમયે વ્યાપક ખાનાખરાબીનાં સંજોગોમા આર્મી જવાનો યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાથી આર્મીની વિશેષ ટીમને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે, જે અંતર્ગત અત્યાર સુધી રાજકોટની જવાબદારી સંભાળતા પંજાબ રેજિમેન્ટને અન્યત્ર ડિપ્લોય કરવામાં આવતા રાજકોટ અને મોરબીની જવાબદારી હવે મદ્રાસ રેજિમેન્ટને સોંપવામાં આવી છે.જામનગર ખાતે આર્મી હેડક્વાટર્સ ધરાવતી મદ્રાસ રેજીમેન્ટના અધિકારીઓ બુધવારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લઇ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, ચોમાસા માટેનો એક્શન પ્લાન તેમજ જિલ્લામાં આવેલ ઔધોગિક વસાહતો અંગેની માહિતી મેળવી હતી. અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીએ જિલ્લાની તમામ માહિતી તેઓને આપી રાજકોટ જિલ્લાની પૂર-વાવાઝોડા જેવી સ્થિતિમાં હવે મદ્રાસ રેજિમેન્ટ જવાબદારી નિભાવનાર હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે, મદ્રાસ રેજીમેન્ટના અધિકારીઓ ટૂંક સમયમાં મોરબી જિલ્લાની પણ માહિતી એકત્ર કરશે.