“Our land, Our future, We are #GenerationRestoration.” સ્લોગન દ્વારા કરાશે 2024ના વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણીમોરબી : પર્યાવરણ એ દરેક જીવ સૃષ્ટિનો આધારસ્તંભ છે. તેથી તેની કાળજી રાખવી એ દરેક જીવ માટે ખુબ જ મહત્વનું છે. પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગની વર્તમાન ગતિથી, ભાવિ પેઢી આ સંસાધનોથી વંચિત રહેવાની સંભાવના છે. તેથી જ વિશ્વભરના લાખો લોકો ભાવિ પેઢીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે પર્યાવરણનુ જતન કરવા તરફ વળી રહ્યાં છે. તેમજ લોકોને પર્યાવરણના સંવર્ધન માટે જાગૃત કરવા દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવે છે.આ વર્ષે 5 જૂન 2024માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ 'જમીન પુનઃસ્થાપન, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા'ના સુત્ર આધારિત “Our land, Our future, We are #GenerationRestoration.” રાખવામાં આવી છે.પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવા અને લોકોને પ્રોત્સાહિત કરવા આ દિવસની ઊજવણી એક પ્રબળ માધ્યમ છે. જેના દ્વારા દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિલક્ષી કાર્યક્રમો થઈ રહ્યાં છે.વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ1972માં, યુનાઈટેડ નેશન્સે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા પર સ્ટોકહોમ (સ્વીડન)માં વિશ્વભરના દેશોની પ્રથમ પર્યાવરણીય પરિષદનું આયોજન કર્યું હતું. તેમાં 119 દેશોએ ભાગ લીધો અને પહેલીવાર એક પૃથ્વીના સિદ્ધાંતને સ્વીકાર્યો. આ કોન્ફરન્સમાં યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)નો જન્મ થયો અને દર વર્ષે 5મી જૂને પર્યાવરણ દિવસનું આયોજન કરીને પ્રદુષણની સમસ્યાથી નાગરિકોને જાગૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને તેનો મુખ્ય હેતુ રાજકીય ચેતના જાગૃત કરવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી સામાન્ય જનતાને પ્રેરણા આપવાનો હતો. આ પરિસંવાદમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘પર્યાવરણની કથળતી સ્થિતિ અને વિશ્વના ભવિષ્ય પર તેની અસર’ વિષય પર પ્રવચન આપ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ તરફ ભારતનું આ પ્રારંભિક પગલું હતું. ત્યારથી આપણે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ.તો આવો આ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવીએ.. જમીનની પુનઃસ્થાપના અને તેને શુદ્ધ કરવા માટેના પ્રયાસો કરીએ.... પર્યાવરણલક્ષી થતા કાર્યક્રમોમાં સહભાગી થઈને જળ, જમીન, રણ સહિત કુદરતી સંસાધનોની સાર સંભાળ રાખીએ... પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો સાથે અન્યોને પણ પ્રોત્સાહિત કરીએ..