થાઇરોઇડની તકલીફો વિશે પ્રવર્તતી ગેર માન્યતાઓથી દુર રહેવું જોઇએ : ડૉ. કૌશલ શેઠ

- text


 

વર્લ્ડ થાઇરોઈડ ડે દિવસે જાણીતા ડોકટર દ્વારા થાઇરોઇડ અંગે જરૂરી માહિતી શેર કરી

મોરબી : આજે તારીખ 25 મેના રોજ વર્લ્ડ થાઇરોઈડ ડે તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટની અર્હમ ડાયાબીટીસ એન્ડ એન્ડોક્રાઇન કિલીનીકનાં જાણીતા ડૉ.કૌશલ શેઠ દ્વારા થાઇરોઇડ રોગ અંગે જરૂરી માહિતી આપતા જણાવ્યું હતું કે થાઇરોઇડ આપણા ગળામાં આવેલી એક પતંગીયા આકારની ગ્રંથી હોય છે. જે માથાનાં વાળથી પગના નખ સુધી દરેક અંગોના કાર્યોનું નિયમન કરે છે. તેથી દરેક અંગ બરાબર રીતે કાર્ય કરી શકે તે માટે થાઇરોઇડ હોર્મોનનું બેલેન્સ રહેવું આવશ્યક છે.

થાઇરોઇડના રોગો કેટલા પ્રકારના હોય છે

થાઇરોઇડના રોગો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. (૧) લીલો થાઇરોઇડ એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં સામાન્ય રીતે વજન વધે છે. ત્વચા શુષ્ક થાય છે અને સ્ફુર્તિનો અભાવ વર્તાય છે. યોગ્ય સારવારથી આ લક્ષણો દુર થાય છે. અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકાય છે. ઘણી વખત બોર્ડર લાઇન થાઇરોઇડના રીપોર્ટના કારણે લીલા થાઇરોઇડનું ઓવર ડાયગ્નોસીસ થતું હોય છે. આવા કિસ્સામાં એન્ડૉક્રાઇનોલોજીસ્ટની સલાહ અનિવાર્ય છે.

બીજો પ્રકારનો થાઇરોઇડનો રોગ છે-હાઇપરથાઇરોડિઝમ એટલે કે સુકો થાઇરોઇડ, જેમાં વજન ઘટે છે, ગરમી અસહ્ય બને છે, ધબકારા વધે છે તેમજ ઘ્રુજારીની તકલીફ થાય છે. તેના ઘણા અલગ અલગ કારણો હોઇ શકે અને કારણ પ્રમાણે સારવાર બદલતી હોવાથી ચોક્ક્સ કારણનું નિદાન ખુબજ આવશ્યક છે.

થાઇરોઇડ વિશે પ્રવર્તતી ગેરમાન્યતા અને તથ્ય

ગેરમાન્યતા-૧

સિંધાલુ કે પીન્ક સોલ્ટ(નમક/મીઠૂ) શરીર માટે વધારે ફાયદાકારક છે.

તથ્ય :-૧

સિંધાલુ કે પીન્ક સોલ્ટ(નમક/મીઠૂ) માં આયોડીનનું પ્રમાણ નિશ્ચીત હોતુ નથી.આયોડીન થાઇરોઇડ તેમજ અન્ય અંગો માટે મહત્વનું તત્વ છે. સરકાર દ્વારા આયોડીનની ઉણપને રોકવા માટે નિશ્ચીત માત્રામાં નમકમાં આયોડીન ઉમેરવામાં આવે છે. તેથી આયોડીન યુક્ત નમકનો જ ઉપયોગ કરવો જોઇએ.

ગેરમાન્યતા :૨

- text

લક્ષણો ન હોય ત્યાં સુધી થાઇરોઇડ ટેસ્ટની જરૂર નથી.

તથ્ય:-૨

લીલા થાઇરોઇડના લક્ષણો ઘણી વખત બહુ ચોક્કસ હોતા નથી તેમજ ક્યારેક શરૂઆતના સમયમાં લક્ષણો વગર પણ થાઇરોઇડની તકલીફ હોઇ શકે. તેથી પરીવારમાં કોઇને થાઇરોઇડનો રોગ હોવા, પ્રેગનન્સી અને નવજાત શીશુમાં લક્ષણો હાજર ન હોઇ તેમ છતા થાઇરોડનો ટેસ્ટ કરવો અતી આવશ્યક છે.

ગેરમાન્યતા :૩

દરેક કિસ્સામાં થાઇરોઇડની દવા જીવન પર્યંત લેવી પડે છે.

તથ્ય :-૩

વજન વધારે હોય અને બોર્ડરલાઇન થાઇરોઇડનો રીપોર્ટ હોય ત્યારે મોટા ભાગના કિસ્સામાં લીલા થાઇરોઈડનું ઓવર ડાયગ્નોશીશ થતુ હોય છે. પરંતુ આવા કિસ્સામાં દવાની જરૂર રહેતી નથી. સુકો થાઇરોઇડ પણ ઘણી વખત ટેમ્પરરી હોય છે. જેમાં ટુંકાગાળાની દવાની જરૂર પડતી હોય છે. મુખ્યત્વે લીલા થાઇરોઇડના અમુક કિસ્સાઓમાં જીવન પર્યંત દવા લેવાની જરૂર પડતી હોય છે. કારણ કે શરીર પુરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન બનાવી શકતું નથી. એન્ડોક્રાઇન ડોક્ટરની સલાહ પ્રમાણે આ દવાઓ નિયમીત લેવી જોઇએ. આ દવાએ આપણા કુદરતી હોર્મોનને સમકક્ષ હોવાથી યોગ્ય ડોઝમાં લેવામાં આવે તો તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટસ થતી નથી.

ગેરમાન્યતા :૪

લીલા થાઈરોઈડમાં કોબી, ફ્લાવર, સોયાબીન, બ્રોકોલી વિગેરે લઇ શકાય નહી

તથ્ય :-૪

આ ખોરાકમાં અમુક તત્વ હોય છે જે થાઇરોઇડ હોર્મોનની ઉણપ વધારી શકે, પરંતુ ખોરાક રાંધવાથી આ તત્વો દુર થાય છે તેમજ તે ખુબજ નજીવી માત્રામાં હોય છે. તેથી પ્રેક્ટીકલી આ શાકભાજી અને સોયાબીનનું સેવન કરવાથી થાઇરોઇડ માટે કોઇ અવરોધ ઉભો થતો નથી.

ગેરમાન્યતા : ૫

મારૂ વજન વધવાનું મુખ્ય કારણ થાઇરોઇડની તકલીફ છે.

તથ્ય :-૫

લીલા થાઇરોઇડની તકલીફથી વજનમાં સામાન્ય રીતે ૨ થી ૫ કિલોગ્રામનો જ વધારો થાય છે. મેદસ્વિતા-વારસાગત, લાઇફ સ્ટાઇલ, ખોરાક, બેઠાળું જીવન અને અન્ય હોર્મોનલ અસંતુલનના કારણે હોઇ શકે. આથી તેના ચોક્ક્સ કારણનું નિદાન કરી સારવાર કરવી જોઇએ.

ગેરમાન્યતા :૬

ગળામાં ગાંઠ દેખાતી હોય તો એ થાઇરોઇડનું કેન્સર હોઇ એવી શક્યતા અનેક ગણી છે તેથી ઓપરેશન જરૂરી છે.

તથ્ય :-૬

૯૫% કિસ્સામાં થાઇરોઇડની ગાંઠ એ સાદી ગાંઠ હોય છે અને યોગ્ય તપાસ પછી આવા કિસ્સામાં ઓપરેશનની જરૂર રહેતી નથી.

- text