મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર દ્રારા આયોજિત મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ - 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ - 9માં પ્રવેશ મેળવી ધોરણ - 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષાનું આયોજન તા. 30/3/24 નાં રોજ કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ 18મેનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લાની શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના ધોરણ 8ના તમામ 19 બાળકોએ આ પરીક્ષા આપેલ હતી. જેમાંથી 13 બાળકોએ સંભવિત મેરીટ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રદાન કર્યુ છે. તેમની આ સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયાએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સી.આર.સી. ચેતનભાઈ જાકાસણિયાએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.