મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.6000ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે વિગત અપડેટ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ યાદી જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે,પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પી.એમ. કિસાન એકાઉન્ટમાં લેન્ડ સીડિંગ (જમીનની વિગતો), બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ અને ઈ-કે.વાય.સી. કરાવવું જરૂરી છે.જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોય તેમણે આ ત્રણ વિગતો અપડેટેડ છે કે નહિ તે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરાવી શકાય છે. અથવા ગ્રામ પંચાયતના વિ.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે.જો આ ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપની તાલુકા પંચાયતનો સંપર્ક કરવો. બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે જે તે બેંકમાં ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે. ઇ- કે.વાય.સી. કરાવવા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે અથવા ગામના વિ.સી.ઇ.નો સંપર્ક કરવો.આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ અથવા તાલુકા પંચાયત ખાતે ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.