આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ : સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છેમોરબી : વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ દ્વારા સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 1977થી આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર દુનિયાના સંગ્રહાલય પોતપોતાના દેશમાં કાર્યક્રમોનું આયોજન કરે છે. સંગ્રહાલયના મહત્ત્વને લઇને જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (આઇકોમ) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનારૂ મુખ્ય સંગઠન છે. સમગ્ર વિશ્વમાં આઇકોમની 31 આંતરરાષ્ટ્રીય સમિતિઓ છે. આ તમામ સમિતિઓ સંગ્રહાલય સાથે સંકળાયેલ અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે. આ સાથે જ આઇકોમ મહત્ત્વની વસ્તુઓની ગેરકાયદેસર ચોરીને રોકવા માટેનું પણ કામ કરે છે અને કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયોને સહાય પણ પૂરી પાડે છે.આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે. સંગ્રહાલયો રોજિંદી જીવનશૈલી, ખાન-પાન, વિવિધ વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરે છે. અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરે છે.ગુજરાતમાં વર્ષ ૧૮૭૭માં સૌ પ્રથમ બનેલા કચ્છ સંગ્રહાલય બાદ રાજકોટમાં ૧૮૮૮માં બારટન વોટસન મ્યૂઝિયમ બન્યું, ધીમે ધીમે રાજ્યમાં સંગ્રહાલયો વધતા ગયા, હાલ રાજયમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો સામેલ છે. જે પૈકી નવનિર્માણ પામી રહેલા શ્રી થલ સંગ્રહાલયમાં પાટણ જિલ્લાના કલા વારસાના નમૂનાઓનો સંગ્રહ કરાશે જયારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય, વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન અંગેનું સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો ગુજરાતના ભવ્ય અને ભાતીગળ વારસાને લોકસમુદાયો સમક્ષ ઉજાગર કરી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાતમાં કલા, કૃષિ, તબીબી, વિદ્યા, પુરાતત્વ, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાન, બાળ સંગ્રહાલય અને આદિવાસી વ્યક્તિ વિષયક જેવા અનેક વિષયો પરના સંગ્રહાલયો છે, જેને લાખો લોકો ગૌરવ સાથે નિહાળે છે.