પ્લોટ બાબતે ઝઘડો કરી આરોપીએ છરીના ઘા ઝીક્યાં હતા : આરોપીને 50 હજાર દંડ મોરબી : મોરબીમાં વર્ષ 2018માં પ્લોટ બાબતે માથાકુટમાં મારી નાખવાના ઈરાદે ફરિયાદી પર કરવામાં આવેલા હુમલાના કેસમાં કોર્ટે આરોપીને સાત વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ કેસની ટૂંકી વિગત જોઈએ તો ગત તારીખ 3-12-2018ના રોજ ફરિયાદી કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજીયા ઉ.70,રહે.સો-ઓરડી વાળા વરિયા માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના ત્રાજપર ખાતે આવેલા પ્લોટ ઉપર ગયા હતા તે દરમિયાન આરોપી બેચરભાઈ જગજીવનભાઈ ચાઉ રિક્ષા લઈને આવ્યો હતો અને ફરિયાદીએ ત્રાજપર ગામે ખરીદેલા પ્લોટ બાબતે બોલાચાલી કરી હતી અને આ પ્લોટ તેના સાળાનો હોવાનું કહી અપશબ્દો કહ્યા હતા અને ઉશ્કેરાઈને બેચરભાઈ ચાઉએ પોતાની પાસે રહેલી છરી કાઢીને ફરિયાદી કાનજીભાઈ બારેજીયાને મારી નાખવાના ઈરાદે છાતીના નીચેના ભાગે મારી દીધી હતી અને ત્યાંથી નાશી છુટ્યો હતો.ત્યારબાદ ફરિયાદીને સારવાર આપવામાં આવી હતી અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મોરબી બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો બાદ પુરાવાઓ અને દલીલોના આધારે કોર્ટે આરોપી બેચરભાઈ ચાઉને કલમ 307 અન્વયે સાત વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકરી દંડની રકમ વળતર રૂપે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો.y