મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં ચાર મહિનાની ચોમાસાની સિઝનનો પ્રારંભ થતો હોય છે.હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાનું આ આગમન વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. ગયા મહિને હવામાન વિભાગે જૂન-સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈને કૃષિ ક્ષેત્ર માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળામાં થાય છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં બે દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યુ હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું.