મોરબી : મોરબીના નહેરુ ગેટ પાસે આવેલા નાસ્તાગલી, કેબી બેકરીવાળી શેરી, બુઢાબાવાવાળી લેનમાં વરસાદના પાણી ભરાઈ જતાં વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. વરસાદના સમયે તો પાણી દુકાનોમાં ઘુસી જતું હોવાનો વેપારીઓનોએ ફરીયાદ કરી છે.આ બાબતે આજે વેપારીઓ મોરબી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને નાળાની સફાઈ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.રજૂઆત કરવા આવેલા વેપારી વિશાલભાઈએ જણાવ્યું હતું કે, બુઢાબાવાવાળી લેનમાં દર વખતે થોડો વરસાદ પડે ત્યાં જ પાણી ભરાય જાય છે. અહીં નાળુ સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે તેથી નાળાની સફાઈ કરવા માટેની અમે આજે અરજી આપી છે. સફાઈના નામે માત્ર મીંડું છે. સફાઈ કરવા કોઈ આવતું જ નથી. જેથી દરરોજ સવારે અમારે ગટર સાફ કરવી પડી રહી છે.અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, દરબારગઢ તરફનું તમામ પાણી અમારા તરફ આવે છે. નાળું આખું પેક થઈ ગયું હોવાથી પાણી આગળ વધતું નથી જેના કારણે બે-બે ફૂટ પાણી રોડ પર ભરાય જાય છે. જેના કારણે લોકો ચાલી પણ શકતાં નથી. આમ વેપારીઓએ નાળાની સફાઈ તાત્કાલિક ધોરણે કરાવી આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા પાલિકાને રજૂઆત કરી છે.