બનાવને 8 કલાક બાદ પણ ત્રણેય મિત્રો હજુ લાપતા : હાલ ફ્લડ લાઈટ લગાવીને તરવૈયાઓ દ્વારા શોધખોળ, મોડી રાત સુધી આ કવાયત ચાલુ રહેશેમોરબી : મોરબી નજીક નદીમાં ડૂબેલા ત્રણેય મિત્રો હજુ પણ લાપતા હોય 46 તરવૈયાઓ તેને શોધવા માટે કમર કસી રહ્યા છે. ઉપરાંત હવે NDRF અને SDRFની ટિમોને પણ બોલાવવામાં આવી છે. જે આવતીકાલે મોરબી આવી પહોંચશે.મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે બપોર 12 વાગ્યા આસપાસ સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા પરમાર ચિરાગ તેજાભાઇ (૨૦ વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬ વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (૧૭ વર્ષ) આ ત્રણ મિત્રો ડૂબ્યા હતા. બનાવ બન્યાને 8 કલાક વીત્યા છતાં પણ ત્રણેય મિત્રોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી.આ મામલે પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું કે હજુ શોધખોળ ચાલુ છે. ફ્લડ લાઈટ લગાવવામાં આવી છે. તેના પ્રકાશથી મોડી રાત્રે જ્યાં સુધી શોધખોળ થશે ત્યાં સુધી શોધખોળ ચાલુ જ રખાશે. મોરબી ફાયર વિભાગના 12, રાજકોટ ફાયર વિભાગના 6, મોરબીના સ્થાનિક સેવાભાવી 12 તેમજ હળવદના ટીકર ગામના 16 લોકો મળી કુલ 46 તરવૈયાઓ કામે લાગ્યા છે. આવતીકાલે બુધવારે સવારે NDRF અને SDRFની આવી જશે અને તે પણ શોધખોળ કરશે.સાતેક મિત્રો ઘરેથી સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહી નીકળ્યા હતાપ્રાપ્ત વિગતો અનુસાર સાદુળકામાં રહેતા સાતેક મિત્રો ઘરેથી એક શાળા પાસે આવેલ સ્વિમિંગ પુલના ન્હાવાનું કહીને નીકળ્યા હતા. જો કે તેઓ સ્વિમિંગ પુલને બદલે નદીમાં ન્હાવા આવ્યા હતા. જેમાં એક મિત્ર ડુબવા લાગ્યો હતો. તેને બચાવવામાં બીજા બે મિત્રો પણ ડૂબ્યા હતા. જ્યારે અન્ય ચાર મિત્રો બચીને બહાર નીકળી ગયા હતા.