પ્રિમોન્સુન કામગીરી નહીં કરનાર પાલિકા વિરુદ્ધ પગલાં ભરવા કલેક્ટરને કોંગ્રેસની ફરિયાદમોરબી : હાલમાં પ્રિમોન્સુન એકટીવી શરૂ થઇ ગઈ હોવા છતાં મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં ન આવતા આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલિકાના જવાબદારો સામે પગલાં ભરવા જિલ્લા કલેકટરે લેખિત ફરિયાદ કરી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલીકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે.પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ માથે આવીને ઉભુ છે છતાં પણ નગરપાલીકા દ્વારા મોરબીમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેના રાજાશાહી વખતના વોકળાની સાફ-સફાઈ કરવામાં આવી નથી અને તેમાં થઈ ગયેલા દબાણોને હટાવવા માટેની પણ કામગીરી નગરપાલીકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેના પગલે નગરપાલિકા સ્ટાફ સામે કાર્યવાહી થાય તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. વધુમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરવા અને ગંદકી થવી તે સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે અને ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ કરવા માટે થઈને ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોય, જીવલેણ અકસ્માત સર્જાય તેવી પણ શકયતાઓ હોય છે. જેથી કરીને આવી ઘોર બેદરકારી દાખવનારા મોરબી નગરપાલીકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલા લેવામાં આવે અને સાથે મોરબીમાં વારસાદી પાણીના નિકાલ માટેના જે વોકળા આવેલા છે તેની તાત્કાલીક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે અને તેની સાથે વારસાદી પાણીના નિકાલમાં જે કોઈ પણ દબાણ હોય તે તમામ દબાણોને તોડી પાડવામાં આવે તેવી માંગ અંતમાં કરવામાં આવી હતી.