હળવદમાં હોર્ડિંગ્સ કે ઇમારતોનો જર્જરિત તથા ભયજનક ભાગ ઉતારી લેવા પાલિકાનો આદેશ

- text


હળવદ : મુંબઇમાં ગેરકાયદે હોર્ડિંગ્સ પડવાથી 14 લોકો મોતને ભેટ્યા છે. તેમજ 70થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે હળવદ પાલિકાએ પણ આગોતરા પગલાં લેવાનું શરૂ કર્યું છે. શહેરમાં તમામ જર્જરિત કે ભયજનક હોર્ડિંગ્સ તથા ઇમારતો દૂર કરવા કડક આદેશો જાહેર કર્યા છે.

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભયજનક મકાનો તથા જાહેર કે ખાનગી સ્થાનો ઉપર લગાડવામાં આવેલ હોર્ડિંગ્સના માલિક કે કબજેદારોને ચેતવણી આપવામાં આવે છે કે, પોતાના મકાનો-હોડીંગ્સનો ભયજનક કે જર્જરીત ભાગ તાકીદે ઉતારી લેવો તેમજ મિલકતને સુરક્ષિત કરાવવા તમામ કામગીરી કાયદાને આધિન કરવી.

જો આવા મકાનો,હોડીંગ્સ કે તેનો ભયજનક જર્જરીત ભાગ પડી જવાથી આસપાસની મિકલત કે કોઈપણ જાનમાલને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાનો કે હોડીંગ્સના માલિક/કબજેદારો/હિત ધરાવતા લોકોની રહેશે. વધુમાં આવા ઇમારતોમાં કોઇપણ શખ્સોએ પ્રવેશ,વસવાટ કે ઉપયોગ કરવો નહી, તેમજ આવા ભયજનક જણાતા મકાનો/હોડીંગ્સની આસપાસ અવર-જવર કરવી નહી તથા આજુબાજુના મકાનોના ઉપયોગકર્તાઓએ સાવચેતી માટે પૂરતી કાળજી લેવી. ભયજનક મકાનો અંગે આવેલ ફરિયાદો અનુસંધાને મકાન તેનો ભયજનક ભાગ ઉતારવા તથા બાકીનો ભાગ રીપેરીંગ કરી સુરક્ષિત કરવા અંગે અત્રેથી ગુજરાત મ્યુનિસિપાલિટી અધિનિયમ-૧૯૬૩ની કલમ-૮૦ની જોગવાઈઓને આધિન તાકીદે કાર્યવાહી કરવા આ નોટીસથી જણાવવામાં આવે છે. નોટીસની અવગણના કર્યેથી ઉપસ્થિત થતી તમામ કાયદાકીય જવાબદારી ભોગવટો કરનાર કે માલિકની રહેશે.

- text

- text