કૌભાંડમાં સંડોવાયેલ ટાટા કંપનીના થર્ડ ઓડિટ સ્ટાફ અને મહિલા કર્મચારીની ધરપકડ બાકી મોરબી : મોરબીમાં આવેલ ટાટા કંપનીના તનિષ્ક શોરૂમમાં રૂપિયા અઢી કરોડના દાગીના બરોબર વેચી મારવાના ચકચારી ઉચાપત પ્રકરણમાં ગઈકાલે મહિલા સહીત પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જો કે, અજબ-ગજબ છેતરપિંડીની આ ઘટનામાં ટાટા કંપનીના થર્ડ પાર્ટી ઓડિટરની પણ સંડોવણી સામે આવી છે ત્યારે મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરવા પણ ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.મોરબીમાં તનિષ્ક શોરૂમની ભાગીદારીમાં ફ્રેન્ચાઈજી ધરાવતા વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તનિષ્ક મોરબીના શોરૂમમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી, બુટિક સેલ્સ ઓફિસર ધવલ અલ્પેશભાઇ પટની, દાગીના રીપેર કરવાની કામગીરી કરતા આશીષ ગુણવંતભાઇ, રિટેઇલ ઓફિસર ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવના પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ રૂપિયા 1,56,14,000ની ઉચાપત કરી દાગીનાઓ બરોબર વેચી માર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ભાવના સોલંકી સિવાયના ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી સહિતના ચારેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.આ ચકચારી કેસમાં અગાઉ થર્ડ પાર્ટી ઓડિટ કરી બધું બરાબર હોવાનો રિપોર્ટ આપનાર ઓડિટર રીન્કુ ભાટિયા અને હિરલ કનોજિયા સામે પણ આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે મહિલા આરોપી સહિતના અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કર્યાનું જાણવા મળે છે.