તોફાની પવનમાં આઠથી દસ સિરામિક એકમોના પતરા ઊડયા આંશિક નુકશાનીમોરબી : મોરબી જિલ્લામાં સોમવારે સાંજે તોફાની પવન સાથે ઉઠેલી ધૂળની આંધીથી મીની વાવઝોડા જેવો માહોલ છવાયો હતો જેમા ખાસ કરીને વાંકનેર હાઇવે તેમજ હળવદ હાઇવે ઉપર આવેલ સિરામિક એકમોના પતરા ઉડી ગયા હતા, સાથે જ ભારે પવન સાથે વરસાદ આવતા જિલ્લાના પીજીવીસીએલના 20 વીજ પોલ પડી ગયા હતા.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં સોમવારે સાંજે ફૂંકાયેલ તેજ પવન, ધૂળની આંધી અને કરા સાથેના વરસાદને કારણે સમગ્ર જિલ્લાના મીની વાવઝોડું ફૂંકાયું હતું. પવન સાથે વરસાદને કારણે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગને આંશિક નુકશાન પહોંચ્યું હતું.મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલીયા, મુકેશ કુંડારીયા અને વિનોદ ભાડજાએ જણાવ્યું હતુ કે, તોફાની પવન અને મીની વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાતા વાકાનેર સરતાનપર રોડ અને ઢુંવા તેમજ હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ અને નીચી માંડલ સીરામીઓ ક્લસ્ટરમાં આઠથી દસ સિરામિક એકમોના પતરા ઉડી જતા નાનું મોટુ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.દરમિયાન મોરબી પીજીવીસીએલના અધિકારી ડોબરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં મીની વાવઝોડા જેવી સ્થિતિમાં પવન સાથે વરસાદ આવતા જિલ્લામાં કુલ 20 વીજપોલ ધરાશયી થયા હતા. જો કે, આ સ્થિતિમાં પણ રાત ઉજાગરો કરી વીજ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી ચાલુ રાખી સવાર સુધીમાં 6 વીજપોલ ઉભા કરી દીધા હતા અને બાકીના વીજપોલ સાંજ સુધીમાં ઉભા કરી દેવામાં આવશે. જો કે, આ સ્થિતિમાં પણ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો ન હોવાની તેમને જણાવ્યું હતું.