પાડા પુલ, વીસી ફાટક સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામ : ગાંધી ચોકથી પુલ સુધી ટ્રાફિકમોરબી : મોરબીના બેઠો પુલ બંધ કરવાના કારણે ટ્રાફિક પાડાપુલ (મયુરપુલ) પર ડાયવર્ટ કરાતાં આજે સવારથી જ ભારે ટ્રાફિક સર્જાયો છે. પાડા પુલ પર લોકો એક કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે. છેક ગાંધી ચોકથી લઈને પુલ સુધી વાહનોની લાઈન લાગી છે.મહત્વનું છે કે, ગઈકાલે 12 મેના રોજ મોરબીના મચ્છુ ડેમના ગેટના સમારકામ માટે ડેમ ખાલી કરવાનો હોવાથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મોરબીનો બેઠો પુલ વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવાયો છે અને ટ્રાફિક પાડાપુલ (મયુરપુલ) પર ડાયવર્ટ કરાયો છે. જેના કારણે આજે સોમવારે સવારે બજાર ખુલતાની સાથે જ ટ્રાફિક જામ સર્જાયો છે. પાડાપુલ, વીસી ફાટક અને બજારમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. સવારે ધંધા-રોજગાર માટે જઈ રહેલા લોકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ અસહ્ય ગરમી અને બીજી તરફ પાડાપુલ પર વાહનોના થપ્પા લાગી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. રેલવે સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડ સુધી પણ છેલ્લા 1 કલાકથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વીસી ફાટકે પણ ભારે ટ્રાફિક સર્જાયો છે. જેના કારણે લોકોને વ્યવસાય અને રોજગાર પર પહોંચવામાં વિલંબ થયો છે. ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક જામ દૂર કરવામાં પરસેવો વળી ગયો છે.