મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે પ્રેમલગ્નના જુના ઝઘડામાં ચાર શખ્સોએ કન્યાપક્ષના સગા વહાલાઓ ઉપર છરી અને પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણાના ભોળી વાંઢ ગામે રહેતા શેરમામદ રાણાભાઈ નોતીયાર ઉ.31 નામના યુવાને આરોપી રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેક, હાસમ વલીમામદ ઉર્ફે બચુ માણેક, અવેશ વલીમામદ ઉર્ફે બચુ માણેક અને સાદિક રસુલ માણેક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેકે ફરિયાદી શેરમામદના પિતાના ફઈની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આ બાબતે જૂનું મનદુઃખ ચાલ્યું આવતું હોય તમામે એક સંપ કરી ફરિયાદી શેરમામદ અને સાહેદ ગફુર આમદભાઈ પારેડી ઉપર છરી પાઇપ વડે હુમલો કરી ગફુરભાઈને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.