મોરબીથી હાજીપીર જતા સમયે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં મુક્યાનું કબુલ્યું, સગીર સહિત ત્રણની પૂછતાછમોરબી : મોરબીના ગ્રામ્ય રસ્તા ઉપર પેલેસ્ટાઇનના ઝંડા બાઇકમાં લગાવી ગીતો સાથેનો વિડીયો વાઇરલ થવા પ્રકરણમાં હરકતમાં આવેલી મોરબી પોલીસની એસઓજી ટીમે ગણતરીની કલાકોમાં આ મામલે એક સગીર સહિત ત્રણ યુવાનોની પૂછપરછ કરતા પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ હોય લાગણીમાં આવી વીડિયો બનાવ્યાની કેફિયત આપી હોવાનું સામે આવ્યું છે.વધુમાં મોરબીથી હાજીપીર જતી વેળાએ આ વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મોરબીના યુવાનો દ્વારા પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા મામલે મોરબી એસઓજી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મોરબીના વિશિપરામાં રહેતા યાસીન નુરમામમદ મોવર ઉ.વ. 29 અને નવાઝ અનવરભાઈ મોવર ઉ.વ. 24 રહે. વિસીપરા મોરબી અને અન્ય એક સગીર હોવાનું સામે આવતા પોલીસે આ યુવાનોની પૂછપરછ કરતાં યુવકોએ ગત.તા.28 એપ્રિલ 2024ના રોજ હાજીપીર જતી વખતે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી પોસ્ટ કર્યો હોવાનું સામે આવેલ છે. આ યુવકોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ હોય લાગણીમાં આવી વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હોવાની કેફીયત આપેલ હતી.વધુમાં મોરબીના આ યુવાનોએ કચ્છના નખત્રાણા નજીક આવેલ પેટ્રોલપંપ પાસે પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇકમાં રાખી વીડિયો બનાવી પોસ્ટ કરેલનું જણાવેલ છે હાલ આ બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા સગીર અને બે યુવાનો મળી ત્રણેયની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.