અગાઉ અઠવાડિયે એક વાર બાદ 15 દિવસે મળતી કોર્ટમાં કાયમી જજ નથીમોરબી : મોરબીમાં ગ્રાહકોની સુરક્ષા માટે શરૂ થયેલ કન્ઝ્યુમર સીટીંગ કોર્ટમાં જજ નિવૃત થયા બાદ નવા નિમણુંક પામેલ જજ પણ રજા હોવાથી છેલ્લા બે માસથી કન્ઝ્યુમર કોર્ટમાં ગ્રાહક સુરક્ષાને લગતા કેસ ચાલવાનું બંધ થતાં રાજા ગણાતો ગ્રાહક બાપડો બિચારો બની ગયો છે અને હાલમાં કોર્ટમાં અનેક કેસમાં મુદત ઉપર મુદત મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લો બન્યા બાદ લાંબા સમયે મોરબીને સીટીંગ કન્ઝ્યુમર કોર્ટની સુવિધા મળી છે પરંતુ નસીબ જોગે મોરબી કન્ઝ્યુમર કોર્ટના જજ નિવૃત થયા બાદ ચાર્જમાં મુકવામાં આવેલ જજ રજા પર હોવાથી હાલમાં જામનગર કોર્ટના જજને ચાર્જ સોપાયો છે પરંતુ કામના ભારણને કારણે મોરબી કન્ઝ્યુમર કોર્ટમાં છેલ્લા બે મહિનાથી કેસ ચાલી શકતા ન હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીને કન્ઝ્યુમર કોર્ટ મળ્યા બાદ દર અઠવાડિયે કોર્ટ ચાલવાનું નક્કી કરાયું હતી જે બાદમાં દર 15 દિવસે મળતી હતી પરંતુ છેલ્લા બે માસમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે, હાલમા તમામ કન્ઝ્યુમર કોર્ટ અરજદારને મુદત જ મળી રહી છે.દરમિયાન મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલકેટર કિરણ ઝવેરીને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત તેઓના ધ્યાન ઉપર આવી નથી. જો કે, હવે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ઝ્યુમર કોર્ટ મામલે યોગ્ય વ્યવસ્થા કરાવનાર હોવાનું જણાવ્યું હતું.ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી હસ્તકના જ 45 કેસ પેન્ડિંગમોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મોરબી કન્ઝ્યુમર સીટીંગ કોર્ટ બાબતે જણાવ્યું હતું કે, મોરબી કોર્ટમાં છેલ્લા બે મહિનાથી જજના અભાવે કેસ ચાલતા નથી, આ મામલે તેઓએ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજુઆત કર્યાનું અને તેમના હસ્તક જ 45 કેસ પેન્ડિંગ હોવાનું ઉમેરી હવે આગામી 20 જૂન બાદ કોર્ટમાં કેસ ચાલશે તેવી મુદત મળ્યાનું જણાવ્યું હતું.