મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.નો મતદાન જાગૃતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયમોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મતદાન જાગૃતિના આ અભિયાનમાં મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પણ જોડાયું છે અને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ લોકસભા ચૂંટણીમાં જે પશુપાલકો મતદાન કરશે તેઓને 7 મેના રોજ સાંજે પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ ચુકવવાનો નિર્ણય સંઘ દ્વારા લેવાયો છે.મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મયુર ડેરી દ્વારા દૂધ મંડળીઓના મહિલા પશુપાલકો તથા સભાસદો દ્વારા અવશ્ય મતદાન થાય તે માટે શપથ લેવડાવી જાગૃતિ અભિયાનો અને વિસ્તરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ દ્વારા જણાવાયું છે કે તમામ પશુપાલકો પરિવાર સાથે 7 મેના રોજ સવારે 11 વાગ્યા પહેલા મતદાન કરી દે. મતદાન કર્યા બાદ 7 મેના રોજ સાંજના ટંકનું દૂધ ભરવા આવે ત્યારે જે પશુપાલકો આંગળી પર મતદાન કર્યાનું નિશાન બતાવશે તેઓને પ્રતિ લીટર 1 રૂપિયો પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ વધારાનો ખર્ચ દૂધ સંઘ અને ફેડરેશન સંયુક્ત રીતે સમાન દરે ભોગવશે. આમ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા મતદાન જાગૃતિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને લોકશાહીના આ મહાપર્વને ઉજવવવાનું નક્કી કરાયું છે.