કૌટુંબિક સગાએ જ પરિણીતા ઉપર નજર બગાડી પત્નીને છોડી દેવા દબાણ કરી હત્યા કરી હતી મોરબી : મોરબીમાં પારકી પરણેતર ઉપર નજર બગાડી કૌટુંબિક સગાએ તારી પત્ની મને ગમે છે, મારે તેની સાથે લગ્ન કરવા છે તેવું કહી યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા આ ચકચારી બનાવમાં મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ભરવા હુકમ કરી દંડની આ રકમ મૃતકના વાલી વારસાને કમ્પૅસેશન રૂપે ચૂકવવા હુકમ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં મોરબીના લીલપર રોડ ઉપર સ્મશાન પાસે રહેતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના યુવાનને તેના જ કૌટુંબિક સગા એવા આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારે કહ્યું હતું કે, તારી પત્ની શાહિદા મને ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે, આ વાત કરતા જ ઇમરાન સુનમુન બની ગયો હતો અને તે જ દિવસે રાત્રીના આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારે ઈમરાનના ઘેર જય છરીના આડેધડ ઘા ઝીકી ઈમરાનની હત્યા કરી નાખતા બનાવ અંગે મૃતકના મોટાભાઈ જાવીદશા ઉમરશા શાહમદારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન આ કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ઉપરાંત 9 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફ્ટકારવાની સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના વાલી વારસોને કમ્પૅશેસન તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.