રામરાજ્યની આપણી કલ્પનાને સાકાર કરવા સમાજમાં સૌનો સહકાર આવશ્યક : ક્ષેત્ર મંત્રી અશોક રાવલમોરબી : વર્તમાન સંજોગોમાં ક્ષત્રિયો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તેનાથી ગુજરાતના તમામ જ્ઞાતિઓ અને તમામ સંપ્રદાયના સંતો- મહંતો પણ ચિંતાતુર છે અને આ પ્રશ્નનું સુખદ સમાધાન થાય તે માટે બન્ને પક્ષે મોટું મન રાખીને નિર્ણય પર આવવું જોઈએ. તેમ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોક રાવલે જણાવ્યું છે.તેઓએ વધુમાં ઉમેર્યું છે કે આ દેશમાં રાજા રજવાડા (ક્ષત્રિયો) નું મોટું યોગદાન રહ્યું છે તેમના બલિદાનોથી ઈતિહાસ ભરેલો છે અને આખો દેશ આ વાતથી વાકેફ પણ છે. સાથે ક્ષત્રિયો માટે કેહવાય છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્. એવું પણ કેહવાય છે કે એક માત્ર દ્રૌપદીના વચનોથી મહાભારત થયું.હવે જ્યારે મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એવા સમયે આપને સૌ સંયમ રાખીએ તેમજ રામરાજ્યની આપણી કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સમાજમાં સૌનો સહકાર આવશ્યક છે. આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી તેમજ મહંત દિલીપદાસજી અને અન્ય સંતો સાથે પણ ચર્ચા થઈ તેઓ પણ ઇચ્છે છે કે આ બાબતે રાષ્ટ્ર હિત અને સામાજિક હિત તેમજ વિશેષ હિન્દુ હિતનો વિચાર કરી બન્ને પક્ષે સન્માન જળવાય તે રીતે સુખદ સમાધાન થાય.સરકારે અને પાર્ટીએ પણ ખૂબ મહેનત કરી સૌ સમાજના સહકારથી ઘણા સારા કાર્યો કર્યા છે. જેવાકે ૩૭૦ની કલમ નાબૂદ કરી,શ્રી રામ મંદિરનું નિર્માણ કર્યું તેમજ અન્ય સામાજિક કાર્યો દેશની પ્રગતિ બતાવે છે. તો આ બધી બાબતોને ધ્યાને લઇ સબળ, સમર્થ અને સમરસ સમાજ તથા દેશ નિર્માણ માટે આપણે મતભેદોને દુર કરી ફરી એક થઈ મોટા મન રાખી આ પ્રશ્નનું સુખદ સમાધાન કરવા તમામ સંત અને વિશ્વ હિન્દુ પરિષદ અપીલ કરે છે. તેમ ક્ષેત્ર મંત્રી અશોક રાવલની યાદીમાં જણાવાયુ છે.