એક્સ્પાન જોઈન્ટ ખુલી જવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કહ્યું તપાસ કરીશુંમોરબી : મોરબીના જગપ્રસિદ્ધ ઝૂલતાપૂલની દુર્ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટપીટીશન મામલે રાજ્યભરના જોખમી પુલનો સર્વે કરી તપાસના આદેશ કરવા છતાં મોરબીનુ તંત્ર જાણે લાપર્વાહીમાંથી બહાર ન આવતું હોય તેવી સ્થિતિ વચ્ચે ઝૂલતાપૂલ બાદ કંડલા બાયપાસ પુલ અને હવે મચ્છુ-2 ડેમની નજીકમાં આવેલ પુલના બે જોઈન્ટ વચ્ચે ગાબડાં પડવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જોવડાવી લેશું તપાસ કરીશુની રેકોર્ડ વગાડતા આ પુલ ભારે વાહનો માટે જોખમી બન્યાનું મનાઈ રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરથી હાઇવે જવા માટે સૌથી વધુ ઉપયોગમાં આવતા અને ભારે વાહનો તેમજ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા લીલાપર-રફાળેશ્વર રોડ ઉપરના મચ્છુ-2 ડેમ પાસેના પુલના બે જોઈન્ટ વચ્ચે ગાબડાં પડી જતા ભારે વાહનો ચાલે ત્યારે પુલ રીતસર ધ્રુજી ઉઠે છે, સાથે જ આ પુલની રેલિંગ નજીક માટી ધોવાઈ જતા મસમોટું ગાબડું પડ્યું હોય રાતવરાતના પગપાળુ નીકળતા લોકો માટે જોખમ વધ્યું છે.બીજી તરફ મોરબી માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર ડી.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, લીલાપર - રફાળેશ્વરને જોડતા માર્ગ ઉપર ડામરના જોઈન્ટ ઉખડી જવાના અને ગાબડું પડવાની બાબત તેમના ધ્યાને આવી નથી, આ બાબતે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જો કે, માર્ગ અને મકાન વિભાગના અન્ય અધિકારીક સૂત્રોએ મચ્છુ-2ના પુલ ઉપર દરવર્ષે ઉનાળામાં ડામર ઉખડી જવાથી આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવી રેલિંગ નજીક પડેલ ગાબડું માટીના ધોવાણથી પડ્યાનું જણાવ્યું હતું,આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતાપુલ દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું ન હોય તેમ તંત્રની લાપરવાહ નીતિને કારણે મોરબી કંડલા બાયપાસ ઉપર નવોનક્કોર બ્રિજમાં ગાબડાં, માળીયા નજીક નવા ઓવરબ્રીજમાં ગાબડાં બાદ વધુ એક બ્રિજમાં ગાબડાં બાદ મચ્છુ ડેમ પાસેના પુલની ગંભીર બાબતની જાણકારી સુધા તંત્ર પાસે નથી તે લોકો માટે જોખમી બાબત છે.