મોરબી : ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુથી તેમની સહાયતા અર્થે સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબીમાં શુભારંભ કરવામાં આવ્યો છે.તારીખ 11 એપ્રિલ ને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે મોરબીના જુના શિશુ મંદિર ખાતે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો શુભારંભ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હિરેનભાઈ વિડજા દ્વારા પ્રસ્તાવના આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જન્તીભાઈ ભાડેસિઆ તેમજ રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા CAA 2019 ની સંપૂર્ણ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવી હતી.. તેમજ મોરબી સંસ્કારધામના પ્રેમ સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્થાપિત હિન્દુ બાંધવોને ભારતમાતાના ફોટા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ જે.પી. જેસ્વાણી દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા વિસ્થાપિત હિન્દુ સહાયતા સમિતિએ જહેમત ઉઠાવી હતી.