સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની સ્થાનિકોની ચીમકીમોરબી : મોરબીના રવાપર રોડને અડીને આવેલા દાઉદી પ્લોટમાં કચરાના ગંજ અને ઉભરાતી ગટરથી રહીશો પરેશાન થઈ ગયા છે. મોરબી અપટેડે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં જોવા મળ્યું કે, સાંજે જ્યાં ખાઉ ગલી ભરાય છે ત્યાં સામે જ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા સાફ-સફાઈ ન થઈ હોય કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન માત્ર થોડા દિવસ પૂરતું જ રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. અવાર નવાર અહીંયા આખલા યુદ્ધ પણ થાય છે. ગટરનું પાણી ઉભરાતું હોય પાણીના ખાડા ભરાય ગયા હોવાથી વાહનચાલકો તેમાં ખાબકી રહ્યા છે અને અકસ્માત સર્જાઈ રહ્યા છે.આ અંગે દાઉદી પ્લોટમાં રહેતા સ્થાનિકોએ મોરબી અપડેટને જણાવ્યું કે, બે-ત્રણ વર્ષથી અહીંયા ગટર ઉભરાય છે અને દુર્ગંધ ઘર સુધી આવે છે. જેના કારણે બીમારી પણ ફેલાઈ રહી છે. ફરિયાદ કરીએ ત્યારે જ પાલિકાના લોકો સફાઈ કરવા આવે છે. કચરાના ઢગલાં અને ગટરનું પાણી ઉભરાતું હોવાથી અહીંયા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ કચરો કોણ નાખી ગયું તે પણ જાણ નથી. છેલ્લા 3 દિવસથી કચરો આમ ને આમ પડ્યો છે. કચરાના કારણે અહીંયા ઢોરનો પણ ત્રાસ રહે છે. આ અંગે પાલિકામાં પણ અરજીઓ આપી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આસપાસના ખાણી-પીણીના ધંધાર્થીઓ અને હોટેલના સંચાલકો દ્વારા અહીંયા કચરો ઢાલવી દેવામાં આવી રહ્યો છે. દાઉદી પ્લોટ- 1 અને 2માં નીચે પાઈપલાઈન નાખી દેવામાં આવે તો પાણી ઉભરાવાની સમસ્યા હલ થઈ શકે તેમ છે.સ્થાનિકોએ કહ્યું કે, ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે પરંતુ સમસ્યાનું સમાધાન કરવા કોઈ આવતું નથી. જો આમ ને આમ રહ્યું તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. હવે જો પાલિકા દ્વારા આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો કલેક્ટરને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેમ રહીશોએ જણાવ્યું હતું.