Morbi: જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલિયા દ્વારા મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીને લઈ ગાંધીનગર સચિવાલય તેમજ રાજ્ય પોલીસ વડા (DGP)ને આવેદનપત્ર આપી ભોગ બનેલા લોકોની તાત્કાલીક મોરબી જીલ્લામાં ફરીયાદો લેવામાં આવે અને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી માંગણી કરી છે.કોંગ્રેસના કહેવા પ્રમાણે, હાલમાં ચુંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કથળે નહિ તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. પરંતુ મોરબી જીલ્લામાં પોલીસને જાણે ચેલેન્જ આપી રહયા હોય તેમ 24 કલાકમાં બનેલી ચાર ઘટનાઓ પછી પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે.વિગતવાર જાણીએ તો, બે દિવસ પહેલા મોરબીના સ્ટેશન રોડ ઉપર પસાર થતી એસ.ટી. બસમાં કોઈ અજાણ્યા શખ્ય દ્વરા ધોકો ફટકારવામાં આવતા હોય તે પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બનાવમાં કોઈ પગલા લેવાયા નથી. આવી જ રીતે મોરબીમાં નવાટેલા રોડ ઉપર માત્ર ૨(બે) મિનિટ પોતાનું એકટીવા મુકીને ગયેલા વેપારીના એક્ટીવાની ડેકીમાંથી રોકડા 1,60,000 દિવસે ચોરી થયા. તે અંગેની પણ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. આટલું જ નહીં પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી દિવસે 11 વાગ્યે બાઈકની ચોરી કરવામાં આવી છે અને આ ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ છે. છતાં પણ હજુ સુધી આ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા ફરીયાદ લેવાયેલ નથી. તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક જ કોમ્પલેક્ષમાં એક સાથે 6 દુકાનના તાળા તુટવાની ઘટના બનેલ છે. તેમ છતાંઆ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા ફરીયાદ લેવાયેલ નથી. ત્યારે કોંગ્રેસે પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઊઠવ્યા હતા.