બાપા સીતારામ ચોક ખાતે સભામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાશેમોરબી : પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આવતીકાલે 9 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળશે. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પાટીદાર મહાસંમેલન અંગે માહિતી આપતા પાટીદાર અગ્રણી ટી. ડી. પટેલે જણાવ્યું કે, આવતીકાલે તારીખ 9-4-2024 ને મંગળવારે રાત્રે 8 કલાકે મોરબીના બાપાસીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્રિત થશે અને કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરી ઉપર ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ ઉપર દાગ લગાડવાનો જે પ્રયાસ કર્યો છે તેને માફી મંગાવા માટે પાટીદાર સમાજ એકત્રિત થશે. જાહેરમાં માફી નહીં માંગે તો તેની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરશું. સમગ્ર ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવીશું અને ગુજરાતમાં ક્યાંય પણ તેને સ્ટેજ ઉપર ક્યારેય પણ સ્થાન ન મળે તેવી નમાદાર કોર્ટને અમે અરજ કરશું. સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવીશું. જરૂર પડશે તો મોરબી બંધનું એલાન આપીશું અને એથી પણ વધારે જરૂર પડશે તો ગુજરાતમાં જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનોનું આયોજન કરશું અને જડબાતોડ જવાબ આપીશું.આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ, તમામ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનોને પણ આમંત્રણ આપવા આવ્યું છે. જે અંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું હતું કે, બાપ સીતારામ ચોકમાં આયોજિત મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકોને ઉમટી પાડવા આહવાન કર્યું હતું.