વર્ષ 2018માં બનેલ બનાવ મામલે એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયોહળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે વર્ષ 2018મા યુવતીની છેડતી કરનાર શખ્સને ઠપકો આપતા યુવાનના પિતા અને પુત્રએ યુવતીના પિતા ઉપર જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા આ અંગેનો કેસ ચાલી જતા નામદાર અદાલતે એક આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2018મા હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી ઉ.48ની પુત્રીની આરોપી મનસુખ તખુભાઈ દેસાઈના પુત્ર અંકિતે છેડતી કરી હોય અશોકભાઈએ અંકિતને ઠપકો આપતા તેના પિતા મનસુખ તખુભાઈ દેસાઈ અને પુત્ર જતીન મનસુખ દેસાઈએ એક સંપ કરી અશોકભાઈને રસ્તામાં રોકી હુમલો કરી જતીને લાકડી વડે તેમજ આરોપી મનસુખે છરી વડે હુમલો કરતા આ હુમલાની ઘટનામાં અશોકભાઈનું મૃત્યુ નિપજતા બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.આ અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા 10 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી મનસુખ દેસાઈને દસ વર્ષની કેદ તેમજ રૂપિયા 1 લાખનો દંડ ફટકારી આરોપી જતીનને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરી મૃતકના પરિવારજનોને સરકારની યોજના મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.