આજે મંગલ પાંડે શહીદ દિવસ : તેઓ ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રીની પાંચમી કંપનીમાં નિજી સૈનિક હતામોરબી : આજે તા. ૮ એપ્રિલના રોજ ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રથમ શહીદ મંગલ પાંડેનો શહીદ દિવસ છે. મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ઇ.સ. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ઇ.સ. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 'મંગલ પાંડે' ફિલ્મ ઉપરાંત ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.મંગલ પાંડેનો જન્મ હાલના ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ઇ.સ. ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ, ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ નિજી સૈનિક (પ્રાયવેટ સોલ્જર) હતા.૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામમાં મંગલ પાંડેનું યોગદાનઇ.સ. ૧૮૫૭ના સમયગાળામાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા ભારતીય સૈનિકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ભારતીય સૈનિકોને એવી બંદૂકો આપવામાં આવી કે જેમાં કારતૂસ ભરવા માટે તેને દાંતથી ખુલવો પડે. જે કારતૂસને દાંતથી કાપવાની હતી તેના ઉપરના ભાગમાં ચરબી હતી. તેથી ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે કારતૂસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવે છે.આ બંદૂકો સેનાને આપવામાં આવી હતી. જ્યારે આ બંદૂકોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે મંગલ પાંડેએ ના પાડી હતી. જે બાદ અંગ્રેજ અધિકારીઓ ગુસ્સે થયા હતા. ત્યારબાદ તેમને સૈન્યમાંથી દૂર કરવા અને બંદૂક પાછી લઈ લોવાનું હુકમનામું બહાર પાડવામાં આવ્યું. તે જ સમયે બ્રિટિશ ઓફિસર હેરસી તેની તરફ આગળ વધ્યા ત્યારે મંગલ પાંડેએ તેના પર હુમલો કર્યો. તેમણે તેના મિત્રોને મદદ માગી પણ કોઈ આગળ ન આવ્યું. તેમ છતાં તેમણે ડર્યા વગર અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબાર કર્યો.૧૮૫૭ની ક્રાંતિ- ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમંગલ પાંડેએ બેરકપુરમાં અંગ્રેજો સામે બળવો કર્યો હતો, તે જંગલમાં આગની જેમ ફેલાવા લાગ્યો. વિદ્રોહની ચિનગારી મેરઠની છાવણી સુધી પહોંચી હતી. 10 મે, 1857ના રોજ ભારતીય સૈનિકોએ મેરઠની છાવણીમાં બળવો કર્યો. ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેનો ગુસ્સો અનેક છાવણીઓમાં ઉગ્ર બન્યો. આ બળવો સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાયો હતો. બળવો એટલો ઝડપથી ફેલાઈ ગયો કે મંગલ પાંડેને 18 એપ્રિલે ફાંસી આપવાની હતી, પરંતુ 10 દિવસ પહેલા 8 એપ્રિલે જ ફાંસી આપવામાં આવી. 1857ની ક્રાંતિ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો. જેની શરૂઆત મંગલ પાંડેના બળવાથી થઈ હતી.