Morbi: હાલ પેસ્ટીસાઈડયુક્ત શાકભાજી અને અનાજ ખાવાથી કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. પણ પ્રયોગશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનાં પ્રયોગો કરી રહ્યા છે અને તેમા સફળતા મેળવી રહ્યા છે અને કેમિકલ અને પેસ્ટિસાઇડમુક્ત ખેતી કરી રહ્યા છે. મોરબી જિલ્લાનાં અણિયારી ગામનાં ખેડૂતનાં બહેનને કેન્સર થતા તેમણે મનોમન નક્કી કર્યુ કે, હવે ઝેરવાળી ખેતી બંધ કરવી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું.https://youtu.be/KIYlHuXiPp8બીજી તરફ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને પ્રાકૃતિક ખેતીના પ્રચારક સુભાષ પાલેકર દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના પ્રયત્નો કરે છે.મોરબીના અણિયારી ગામના ખેડૂતે સુભાષ પાલેકરજીના વીડિયો જોઈ પ્રેરિત થઈને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને હાલ તેઓ દાડમ અને જીરું જેવા પાકની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને ગામમાં સર્વોચ્ય ઉત્પાદન લઈ રહ્યા છે.મોરબી અપડેટની ટીમે બાબુભાઈ ખોડાભાઈના ખેતરની મુલાકાત લીધી અને પ્રાકૃતિક ખેતી અંગે ખાસ વાતચીત કરી હતી.મોરબી અપડેટ સાથેની વાતચીતમાં બાબુભાઈએ જણાવ્યું કે, તેમના બહેનને કેન્સર થતાં તેમણે રાસાયણિક દવા કે ખાતર વગર ખેતી કરવાનું નક્કી કર્યું. હાલ તેઓ 45 વિઘા જમીનમાં રાસાયણિક દવા છાંટ્યા વગર ખેતી કરી રહ્યા છે. તેઓ રાસાયણિક દવા કે ખાતરની જગ્યાએ પાકને જીવામૃત છાંટી રહ્યા છે. આ ઉપરાંત ગૌકૃપામૃત અને લીંબુનું પાણી પાકને આપી રહ્યા છે. ખાતરમાંથી રસ કાઢીને જમીનમાં આપી રહ્યા છે.તેમણે દાડમની ખેતી કરી છે. તેમના અનુભવ પ્રમાણે રાસાયણિક ખાતર અને દવા છાંટવાથી જેટલું ઉત્પાદન મળે તેટલું જ ઉત્પાદન પ્રાકૃતિક ખેતી કરવાથી મળે છે. આ પ્રકારથી ઉગાડેલા દાડમ ખાવામાં પણ કોઈ નડતર રૂપ થતાં નથી. પ્રાકૃતિક ખેતી કરવામાં થોડી મહેનત વધી જાય પરંતુ ખર્ચો ઘણો બચી જતો હોવાનું બાબુલાલે જણાવ્યું હતું. તેમણે ડો. સુભાષ પાલેકર અને બી.ટી. ગોરેના વીડિયો જોઈને પાંચ વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.44 વીઘાના ખેતરમાં તેમણે 5300 દાડમના રોપા વાવ્યા હતા. દર વર્ષમાં દાડમના ઝાડમાં બે વખત કટીંગ કરવું પડે છે. હાલ તેઓ દાડમનો પાક માર્કેટીંગ યાર્ડમાં વેચી રહ્યા છે. આ વર્ષે સિઝનમાં તેમણે 35 વીઘામાંથી 70 ટન દાડમનું ઉત્પાદન લીધું છે. તેમના ખેતરમાં પાકતા એક દાડમનો વજન 600 ગ્રામ સુધીનો હોય છે.બાબુલાલના જણાવ્યા પ્રમાણે રાસાયણિક પદ્ધતિથી દાડમની ખેતી કરવામાં એક વીઘે 40 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં એક વીઘે માત્ર 3-4 હજાર રૂપિયાનો જ ખર્ચો થાય છે. પ્રાકૃતિક પદ્ધતિથી 55 વીઘામાંથી 455 મણ જીરુંનું પણ ઉત્પાદન લીધું હતું અને સમગ્ર ગામમાં સૌથી વધુ ઉતારો તેમણે જીરું મેળવ્યો હતો. તેથી તેમણે બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા અપીલ કરી છે. તેમની પાસેથી પ્રેરણા લઈને અન્ય 3-4 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.બાબુભાઈ કેવી રીતે પ્રાકૃતિક ખાતર બનાવે છે ?પ્રાકૃતિક ખાતર બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરતાં બાબુભાઈએ જણાવ્યું કે, સૌ પ્રથમ નીચે શેરડીના છોતરા, અનાજ-કઠોળનો લોટ, આંકડો, ધતુરો, લીમડો, કરંજ નાખી તેના ઉપર છાણીયું ખાતર નાખવાનું અને તેના ઉપર રાયડા અને એરંડાની ફોતરી નાખવાની. ત્યારબાદ તેના ઉપર કુકડાનું ચરક નાખી તેના પર પાણી પીવડાવી દેવાનું. આ મિશ્રણનું દ્રાવણ એક ખાડામાં જમા થશે અને આ દ્રાવણનો ઉપયોગ દવા તરીકે છાંટવામાં અને પિયતની સાથે પિવડાવવામાં ઉપયોગમાં લેવાનું.જીવામૃત બનાવવાની રીતજીવામૃત બનાવવાની પ્રક્રિયા અંગે બાબુભાઈએ કહ્યું કે, એક મોટા બેરલમાં 180 લિટર પાણી, 10 લિટર ગૌમુત્ર, 10 કિલો ગાયનું ગોબર, 2 કિલો ગોળ, 2 કિલો બેસનનો લોટ અથવા તાજી છાસ અને ચાર મુઠ્ઠી વડલાની માટી નાખી સવળે આંટે સવાર-સાંજ હલાવવું. આ જીવામૃત આઠ દિવસે તૈયાર થઈ જાય.બાબુભાઈ ઈયળના નિયંત્રણ માટે આંકડા અને ધતુરાનું દ્રાવણ બનાવી રહ્યા છે. જ્યારે આંખા લીંબુના દ્રાવણને તેઓ જમીનમાં નાખીને ડીએપી ખાતર જેવું કામ લઈ રહ્યા છે.