મોરબી : મોરબી જિલ્લામાં હમણાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા દેખાતા હોવાના વાવડ મળી રહ્યા છે. હમણાં થોડા સમય પેહલા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ પર હિંસક પ્રાણીએ હુમલો કર્યાની ઘટના પણ સર્જાઈ હતી. તેવામાં આજે ટંકારાના નાના રામપર ગામે દીપડો દેખાયોનો વિડિયો વાયરલ થયો હતો.જે બાબતે ફોરેસ્ટ વિભાગ અને ગામના આગેવાનોએ તપાસ હાથ ધરી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગની તપાસમાં આ વિડીઓ બે મહિના જુનો હોવાનું અને આ વિડીઓ અલગ જગ્યાનો હોવાનો બહાર આવ્યું છે.આ અંગે ગામના આગેવાન જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે અહીં તપાસ કરી પરંતુ આવું કાંઈ જોવા મળ્યું નથી. આ વિડીઓ નાના રામપર ગામનો નથી.જ્યારે આ અંગે ટંકારા ફોરેસ્ટર કિશન જાનીએ જણાવ્યું હતું કે અમે ગામમાં બધે તપાસ કરી, પરંતુ દીપડાના કોઈ નિશાન કે કાંઈ જોવા મળ્યું નથી અને આ વિડિઓ 2 મહિના પહેલાનો જૂનો છે . કોઈએ ભય ફેલાવવા માટે વીડિયો ફરતો કર્યો હોવાનું જણાવ્યું હતું.