Morbi: માળીયા (મીં) તાલુકાના મોટા દહીંસરા ગામના ક્ષત્રિય સમાજમાં ભાજપનાં રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. થોડા દિવસો પહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સંદર્ભે વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ઉગ્ર વિરોધ થતા તેમણે માંફી પણ માંગી હતી પણ ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ.આ વિરોધ વચ્ચે મોટા દહિંસરાનાં ક્ષત્રિય સમાજે એવી જાહેરાત કરી છે કે, 'જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મોટા દહીસરા ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂને એમના માટે અમારા બાપ દાદાએ આપેલા દિધેલા માથાના બલિદાનનો ઇતિહાસ છે.' ત્યારે, જો આ મામલે રૂપાલાની ટિકીટ રદ ન થઈ તો સમસ્ત મોટા દહીસરા ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે તેમ ચીમકી આપવામાં આવી હતી.ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં ક્ષત્રીય સમાજ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે ક્ષત્રીય સમાજ દેશના રાજા-મહારાજા અને તેમની દિકરીઓ અને મહિલાઓ વિરૂધ્ધ ભાષણ કરતા સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણી દુભાઇ હતી.જેના કારણે ઠેર ઠેર સમગ્ર ક્ષત્રીય સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. તેમજ આ મામલે જિલ્લા રાજપુત કરણી સેના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે પદાધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.