Morbi: છેલ્લા ઘણા મહિનાઓથી મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલે છે. આમ આદમી પાર્ટી (AAP)એ એવો આક્ષેપ કર્યો છે કે, મોરબી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે. મોરબીનાં આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ તારીખ 31 માર્ચના રોજ મોરબી નગરપાલિકાના વર્કશોપની મુલાકાત લીધી હતી અને ગંભીર આરોપો કર્યા હતા.આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, કાર્યકારી મહામંત્રી ભાવીન પટેલ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ ઇક્બાલભાઈ તથા આમ આદમી પાર્ટીના સાથી યુવા કાર્યકર્તાઓએ મોરબી નગરપાલિકાનાં વર્કશોપની મુલાકાત બાદ આરોપ લગાવ્યા હતા કે, મોરબી નગરપાલિકાનો વર્કશોપ દારૂઓની બોટલ સાચવતું એક સ્થળ બની ગયું છે. ગુજરાતમાં દારૂબંધી છે. પણ અહીં તો દારૂ જ દારૂ છે. આ ઉપરાંત, મોરબી નગરપાલિકાનાં વાહનો અહીં સડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલિકા દ્વારા ભંગારની હરાજી કરવામાં આવતી નથી. મોરબી નગરપાલિકાનો વર્કશોપ કચરાપેટી બન્યું છે,”આમ આદમી પાર્ટીનાં નેતાઓએ વધુમાં નગરપાલિકાનાં વહીવટ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, જો તે એક વર્કશોપ સારી રીતે સાચવી શકતું નથી તો આખા શહેરનો વહીવટ કેવી રીતે કરશે? મોરબી મહાનગર પાલિકા બનશે પછી પણ વહીવટ આવો જ રહેશે?”અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઝુલતાપૂલની દુર્ઘટના બન્યા પછી મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલે છે.