કરોડોના ખર્ચે બનેલા મચ્છુ નદીના પુલમાં સળિયા દેખાઈ જવા છતાં કોન્ટ્રાકટર વિરુદ્ધ કોઈ પગલાં નહીં ! રીપેરીંગ કરાવી સંતોષ માની લેતું તંત્રમોરબી : મોરબી - કંડલા બાયપાસ હાઇવે ઉપર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા નક્કોર પુલમાં ગત તા.8માર્ચના રોજ ગાબડાં પડી જવાની ઘટનાને 21 દિવસ વીતવા છતાં પણ હજુ એક તરફનો પુલ શરૂ થઈ શક્યો નથી, બીજી તરફ ખાધું, પીધુંને રાજ કર્યું જેવા ઘાટ વચ્ચે 21 ડીઆઈએસ બાદ પણ માર્ગ અને મકાન વિભાગ રાજકોટ દ્વારા આ ગંભીર ઘટનામાં કોન્ટ્રાક્ટરને શોકોઝ ફટકારવા સિવાય કશી જ કાર્યવાહી ન કરી માત્ર પુલને થીગડાં મરાવી સંતોષ માન્યો હોવાનું બહાર આવ્યું છે.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પિટિશન દાખલ કરી રાજ્યના તમામ જોખમી પુલનો તાકીદે સર્વે કરી નિયમિત રૂપે જોખમી પુલોને ચકાસવા આદેશ કર્યો હોવા છતાં હજુ પણ તંત્ર પુલની ગુણવતાને લઈ જાગૃત નહોવાનું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે, મોરબીમાં કંડલા બાયપાસ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ પુલને હજુ એક વર્ષ પણ થયું નથી ત્યાં જ ગત તા.8 માર્ચના રોજ ટ્રાફિકથી ધમધમતા કચ્છ હાઈવેને જોડતા આ પુલ ઉપર મસમોટું ગાબડું પડી ગયું હતું અને પુલના સળિયા પણ ડોકિયાં કરવા લાગતા તાત્કાલિક અસરથી આ પુલનો એકતરફનો ટ્રાફિક બંધ કરી દઈ પુલનું કામ કરનાર કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ ફટકારી માત્રને માત્ર કામગીરી કર્યાનો સંતોષ માની માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર રીપેરીંગ કામ કરાવી સંતોષ માની લેવામાં આવ્યાનું હાલમાં સામે આવ્યું છે.એક વર્ષ કરતા પણ ઓછા સમયગાળામાં આ પુલમાં ગાબડું પડી જતા માર્ગ અને મકાન વિભાગ રાજકોટના અધિકારી કે.એન.ઝાલાએ જણાવ્યું હતું કે, ગાબડું કેમ પડ્યું ? ,મટીરિયલમાં ખામી હતી કે પછી બાંધકામ સમયે કોઈ ક્ષતિ રહી હતી તે અંગે હાલમાં એક્સપર્ટ પાસે તપાસ કરવામાં આવી રહી છે.સાથે જ પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરને હજુ 15 કરોડ જેટલું ચુકવણું પણ બાકી છે ત્યારે એક્સપર્ટના ઓપિનિયન અને નમૂના ચકાસણી બાદ પગલાં લેવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું. જો કે પુલમાં ગાબડાની ઘટના બાદ આજે 21 દિવસ વીતવા છતાં હજુપણ આ રિપોર્ટ આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.દરમિયાન મોરબી - કંડલા બાયપાસ ઉપરના પુલનું કામ સાંભળતા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર ઈજનેર બાસીડાએ જણાવ્યું હતું કે, પુલમાં ગાબડું પડવા માટે માસ કોન્ક્રીટના કામમાં કોઈ ક્ષતિ હોય તો આવું બની શકે અને હાલમાં આ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કામ કરાવી લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ કેરિંગ પિરિયડ બાદ એક તરફ બંધ કરવામાં આવેલ પુલ ફરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.