14 વાડી વિસ્તારના લોકો શામજીબાપાની જાન જોડી અલગ અલગ વિસ્તારમાં ફરી દાન એકત્રિત કરી સેવાકાર્યો કરે છે.મોરબી : મોરબી શહેરમાં આજના આધુનિક યુગમાં પણ હજુ સતવારા સમાજના લોકો વાડી વિસ્તારમાં જ વસવાટ કરે છે અને દરેક વાર તહેવારો પ્રાચીન પરંપરાથી ઉજવે છે, ખાસ કરીને હોળીના તહેવારમાં સતવારા સમાજના લોકો ફાગ, ફટાણા સાથે હોલિકા દહન કર્યા બાદ શામજીબાપા અને વેણીમાની જાન જોડી અલગ અલગ 14 વાડી વિસ્તારમાં મામેરા રૂપે ફાળો એકત્રિત કરી શ્વાન, ચકલા અને ગાયો માટે વર્ષભર સેવાકાર્ય કરે છે.મોરબીમાં સતવારા સમાજના શામજીબાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળીના તહેવારમાં વર્ષોની પરંપરા મુજબ સમસ્ત સતવારા સમાજમાં મોટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં હોળીમાના ચોકમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. સાથે જ વર્ષોની પરંપરા મુજબ હોળીના 15 દિવસ અગાઉ દરેક વાડીમાં ઢોલે રમવામાં આવે છે. મહિલાઓ અને પુરૂષો રાસ ગીત, નાળિયેર અને કબડી રમે છે. રાત્રે હોળીમાતાના દર્શન માટે આવતા ભક્તજનો પોતાની માનતાઓ પૂરી કરે છે બાળકોને પગે લગાડે છે.બાદમાં ઘૂઘરીનો પ્રસાદ વહેંચવામાં આવે છે તેમજ રાત્રે હોળીમાં ખજૂર ધાણી દારીયા વગેરે હોમવામાં આવે છે અને જે કાંઈ દાન ફાળો આવે તે ચકલાના ચણ માટે તેમજ કુતરાના ધાન માટે અને ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવે છે. રાત્રે બે વાગ્યે મામેરુ ભરવા લોકો આખા લતામાં ફરે છે મામેરામાં પણ લોકો હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે. મામેરાના ગીત ઢોલ ત્રાસા સાથે ગાવામાં આવે છે અને એકબીજાને હોળીના ફાગ પણ બોલાય છે અને ફટાણા પણ બોલવામાં આવે છે.મામેરુ ભરાઈને આવે પછી વહેલી સવારે શામજીબાપા અને વેણીમાંની જાન કાઢવામાં આવે છે. આ જાનમાં સતવારા સમાજના દરેક વિસ્તારના ભાઈઓ બહેનો જોડાઈ છે અને આનંદ ઉમંગમાં વહેલી સવારે 06:00 વાગ્યે આ જાન મંદિરેથી નીકળી અને મોર ભગતની વાડીમાં, તાત વાડીમાં, હદાણીની વાડીમાં, ધુડની વાડીમાં, જોધાણીની વાડીમાં, જાગાની વાડીમાં, નાનીબજારની વાડીમાં, મોટી બજારની વાડીમાં, વાઘાણીની વાડીમાં, પાવઠાની વાડીમાં, મળીની વાડીમાં, શિયાળની વાડીમાં, સામતાણીની વાડીમાં અને બાદમાં મસાલ જોધાણીની વાડીમાં થઈ ગોકુળ નગરમાં ફરી સાંજે પાછી મંદિરે આવે છે.આ જાનમાં ઢોલ-ત્રાસા સાથે માણસો નાચગાન કરે છે અને લગ્ન ગીતો ગાય છે એક બીજાને ફટાણા આપે છે અને હોળીના ફાગ પણ બોલવામાં આવે છે. જેનો આનંદ 14 જેટલી વાડી વિસ્તારના લોકો લે છે અને આનંદ ઉમંગથી આ પ્રસંગને ઉજવે છે. આ તહેવારમાં જે કંઈ ફાળો કે દાન આવે તે ચકલાના ચણમા, કુતરાના ધાનમાં અને ગાયોના ઘાસચારામાં આ રૂપિયા વાપરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન શ્વાન માટે લાપસી સુખડી કે ગુંદી ગાંઠિયા વગેરે જેવી વસ્તુઓ બનાવી ને નાખવામાં આવે છે. આમ, મોરબીમાં આજે પણ સતવારા સમાજ હોલીકા તહેવારની પુરાણી પરંપરા સાથે ઉજવણી કરે છે જેમાં 4000 જેટલા લોકો જોડાય છે.