પુષ્ટિ માર્ગમાં કુંજ એકાદશી પાછળ પ્રભુએ એકાદશીથી ડોલોત્સવ સુધી વ્રજની કુંજોમાં લીલાઓ કરી હોવાની ભાવનામોરબી : સામાન્ય રીતે, માર્ચ મહિનામાં વિજયા એકદાશી અને આમલકી એકાદશી આવે છે. વિજયા એકાદશી 6 માર્ચે હતી જયારે બીજી આમલકી એકાદશી 20 માર્ચે ઉજવવા છે. કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં કુંજ એકાદશી તરીકે પણ ઉજવાય છે. હિંદૂ પંચાંગ અનુસાર આમલકી એકાદશીનું વ્રત ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. આ દિવસે વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી કે આમળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે.આમળાની પૂજાનું મહત્વપુરાણો અનુસાર બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરવા માટે ભગવાન વિષ્ણુની નાભિમાંથી જન્મ લીધો હતો. તેઓ પોતાની ઉત્પત્તિ વિશે જાણવા માંગતા હતા. આ માટે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની તપસ્યા શરૂ કરી. જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે બ્રહ્માજી ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. આમળાના ઝાડની ઉત્પત્તિ તેમના આંસુમાંથી હોવાનું માનવામાં આવે છે.બ્રહ્માજીના આ શુદ્ધ ઈશારાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું, બ્રહ્માજી, આજે તમારા આંસુઓથી આમળાનું ઝાડ ઊગ્યું છે. તેથી, આ વૃક્ષ અને તેનું ફળ તેમને હંમેશા ખૂબ પ્રિય રહેશે. હવેથી આમળાના ઝાડમાં તમામ દેવી-દેવતાઓનો વાસ થશે. એવું કહેવાય છે કે ત્યારથી આમલકી એકાદશી પૂર્ણ ભક્તિ સાથે મનાવવામાં આવે છે.પુષ્ટિ માર્ગમાં કુંજ એકાદશીપુષ્ટિમાર્ગમાં આ એકાદશીને કુંજ એકાદશી પણ કહે છે. કુંજ એકાદશીએ નિજ મંદિરથી તિબારી સુધી આંબાની અગર કેળની ઘેરી કુંજ બંધાય અને સંધ્યા આરતી બાદ કુંજ ખોલાય. બ્રહ્મા, મહેશ, ગણેશ, ઈન્દ્ર વગેરે દેવો પોતાના વેશ અને રૂપોમાં પ્રભુની આ લીલા જોવા મંદિરોમાં પધારે છે અને તેમના આગમનનું સ્મરણ હોળી ખેલમાં કુંજ એકાદશીથી કરાય છે. જ્યાં પ્રભુએ સાક્ષાત વ્રજમાં લીલાઓ કરતા હોય તે જોવા દેવતાઓ અવશ્ય પધારે છે. કુંજ એકાદશીમાં હોળી ખેલમાં પણ આ ભાવ છે. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલોત્સવ સુધી પાંચે રંગોથી રાજભોગ ખેલાય છે અને શયનના દર્શનમાં પણ અબીલ-ગુલાલ ઉડે છે અને આરતી પછી પ્રભુ સાંનિધ્યમાં (પલનાની બારીમાં) કીર્તનમાં નાચે છે, ત્યારે સ્વાંગમાં દેવતાઓનું આગમન અને નાચ પણ થાય છે એમ માનવામાં આવે છે.વ્રજવાસીઓએ પણ વનમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળી ખેલી ખેલાવી અને અનેક પ્રકારની સામગ્રીઓ પ્રભુને આરોગવી હતી. વ્રજના કુંજ લીલા ભાવ સિદ્ધ છે; જેને જેવા ભાવનો અધિકાર હોય તેને તેવા પ્રકારના ભાવાત્મક સ્વરૂપના દર્શન વ્રજની ચોર્યાસી કોશની કુંજોમાં થાય છે. વ્રજમાં પ્રભુ યુગલ સ્વરૂપે બાર નિકુંજની ભીતર બિરાજમાન છે. વ્રજમાં ચોર્યાશી કુંજો છે. આ રીતે કુંજ એકાદશી પાછળ પ્રભુએ એકાદશીથી ડોલોત્સવ સુધી વ્રજની કુંજોમાં જે લીલાઓ કરી છે તે ભાવના છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..