ચા ના 20, દૂધના 30 રૂપિયા, નાસ્તાના 63 રૂપિયા, જમણના 153 ભાવ રાજકીય પક્ષોને મોંઘા લાગ્યા : લોકસભા ચૂંટણીમાં ક્લેક્ટરતંત્રએ નક્કી કરેલા ભાવ અસહ્ય હોવાનો ભાજપ અને કોંગ્રેસનો સહિયારો સુર મોરબી : આગામી તા.7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી લડતા ઉમેદવારોએ પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે ચા, નાસ્તો, ભોજન કરાવવા તેમજ મંડપ, અખબારોમાં જાહેર ખબર આપવી, ડીજે બોલાવવા સહિતના વિવિધ 500 જેટલી ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા મંગળવારે જિલ્લા કલેકટરે બોલાવેલી રાજકીય પક્ષોની બેઠકમાં તંત્ર તરફથી મોંઘવારી પ્રમાણે નક્કી કરાયેલા ભાવ જાહેર કરવામાં આવતા જ ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ હોય તેવા ઘાટ વચ્ચે બન્ને પક્ષે સરકારી ભાવનો સંયુક્ત વિરોધ કરતા તંત્રએ ભાવમાં ફેરવિચારણા કરવા બે દિવસનો સમય માંગ્યો છે, ચૂંટણીપંચની સુચના મુજબ તંત્રએ ચા ના 20, દૂધના 30 રૂપિયા, નાસ્તાના 63 રૂપિયા, જમણના 153 ભાવ દર્શવાતા જ રાજનેતાઓના હોશકોશ ઉડી ગયા હતા.મોરબી જિલ્લો જેમાં સમાવિષ્ઠ છે તેવી 10 રાજકોટ લોકસભા બેઠક માટે ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચના હિસાબોમાં ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ વિવિધ 500 જેટલી આઇટમોના ભાવ સરકારી તંત્રએ નક્કી કર્યા હોય જેની જાણકારી આપવા તમામ માન્ય રાજકીય પક્ષ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, જીઇબી, આકાશવાણી, દૂરદર્શન, માહિતી વિભાગ સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજી ભાવતાલ રજૂ કર્યા હતા જેમાં ચા ના 20, દૂધના 30 રૂપિયા, નાસ્તાના 63 રૂપિયા, જમણના 153, ઠંડા પાણીના જગના 30 રૂપિયા, વાહન ભાડે રાખવામાં જીપના 3000, ઇકોના 3000, ટેમ્પો ટ્રાવેલ્સના 7500, ટ્રેકટરના 12000, બસના 13,500, ડ્રાઇવર ભથ્થું 800 રૂપિયા ભાવ નક્કી કરાયો હોવાનું જાહેર કર્યું હતું.સાથે જ હેલીકૉપટર ભાડું એક દિવસના 1.27 લાખથી લઈ 4.35 હજાર, એરક્રાફ્ટના એક દિવસના 1.5 લાખથી લઈ 4.95 હજાર, ઢોલ નગારાના એક વ્યક્તિના 1000, કેશિયો પાર્ટી રેંકડીમાં હોય તો 2000, ડીજે વાહન સાથે 10,000 રૂપિયા દરરોજ, ફૂકના હારના 50 રૂપિયા, ટોપીના 30થી 50 રૂપિયા, મફલરના 50થી 75 રૂપિયા, ધજાના 90 રૂપિયા, શાલના 200 રૂપિયા ફટાકડા એક બોક્સના 1500રૂપિયા, બગીના 7000 રૂપિયા જનરેટરના 7000 રૂપિયા, માસ્કના 3થી 10 રૂપિયા, શણગારેલો ઘોડો 2000થી 2500 રૂપિયા ટીશર્ટના 150થી 500 રૂપિયા, સહિતના ભાવ નક્કી કરાયા હોવાનું જાહેર કર્યું હતું.આ ઉપરાતં અલગ અલગ નગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં હોર્ડિંગ, કિયોસ્ક બોર્ડ વગેરેના ભાવ સાથે એફએમ રેડિયો દૂરદર્શન, ખાનગી ચેનલો અખબાર, વગેરેના ભાવ પણ રજૂ કરાયા હતા. જો કે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તંત્રએ નક્કી કરેલા મંડપ, ચા, નાસ્તો, જમણવારના ભાવ ખુબ જ વધુ હોવના વાંધા રજૂ કરતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ફેરવિચારણા માટે બે દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.