દર ત્રણ મહિને નિયમિત સિલિકોસિસ રીવ્યુ બેઠક યોજવા ઔદ્યોગિક સલામતી વિભાગને તાકીદ : સિલિકોસિસ મૃત્યુ સહાય પણ ઝડપથી ચૂકવવા આદેશ મોરબી : મોરબીમાં એક જ મહિનામાં અસાધ્ય ગણાતી સિલિકોસિસ બીમારીથી ત્રણ-ત્રણ શ્રમિકોના મૃત્યુ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ છૂટ્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય સલામતી વિભાગ, આરોગ્ય અને શ્રમ વિભાગને દોડતો કર્યા બાદ શનિવારે રીવ્યુ બેઠક યોજી હતી જેમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝના જવાબદાર હોદેદારોને પણ હાજર રાખી શ્રમિકોના સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવાની સાથે સંબંધિત વિભાગોને સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી કરવા આદેશ આપી સાથો સાથ દર ત્રણ મહિને સિલિકોસિસ રીવ્યુ બેઠક યોજવા ઔદ્યોગિક સલામતી વિભાગને કડક સૂચના આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ઉડતા સિલિકાના સૂક્ષ્મ રજકણોને કારણે છેલ્લા વર્ષોમાં અનેક કામદારો સીલીકોસસીની બીમારીનો ભોગ બન્યા બાદ છેલ્લા એક મહિનામાં જ ત્રણ ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજતા સ્ફોટક અહેવાલ દૈનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થતા જ ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા હતા.બીજી તરફ મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી પણ આ ગંભીર બીમારી મામલે ચોકી ઉઠ્યા હતા અને સમગ્ર મામલામાં સૌથી વધુ બેદરકાર રહેનાર ઔદ્યોગિક સલામતી વિભાગ અને આરોગ્ય વિભાગની ધૂળ કાઢી નાખી હતી. સાથે જ છેલ્લા પાંચેક દિવસથી તમામ વિભાગોને દોડતા કરી જિલ્લા કલેકટર ઝવેરીએ શનિવારે સિલિકોસિસ રીવ્યુ બેઠક પણ યોજી કડક આદેશો જારી કર્યા હતા.મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે શનિવારે મળેલી બેઠકમાં આરોગ્ય સલામતી વિભાગ, આરોગ્ય અને શ્રમ વિભાગ ઉપરાંત મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારોને પણ હાજર રાખી મોરબીમાં કામ કરતા શ્રમિકોમાં સિલિકોસિસથી નિર્દોષ શ્રમિકો મોતને ન ભેટે તે માટે શ્રમિકોના સ્વાસ્થ્યની નિયમિત ચકાસણી કરવાની સાથે ઉદ્યોગકારોને કામના સ્થળે સલામતીના સાધનો પુરા પાડવા ઉપરાંત ડસ્ટ ફ્રી વાતાવરણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ કર્યો હતો. સૌથી અગત્યની બાબત રૂપે જિલ્લા કલેકટર ઝવેરીએ અત્યાર સુધી તંત્રને અને સરકારને અંધારામાં રાખનાર ઔદ્યોગિક સલામતી વિભાગની ઝાટકણી કાઢી હવેથી દર ત્રણ મહિને નિયમિત સિલિકોસિસ રીવ્યુ બેઠક યોજવા કડક સૂચના આપી હતી.