વસંત ઋતુનો મહિનો ફાગણ આવતા પ્રકૃતિ ખીલી ઉઠે છેફાગણની પૂર્ણિમા ફાલ્ગુન નક્ષત્રમાં હોવાના કારણે આ મહિનાનું નામ ફાગણ છેમોરબી : ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત, હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે. આજથી ફાગણનું આગમન થયું છે. અંગ્રેજ કેલેન્ડર જોવા ટેવાયેલા આપણા માટે ફાગણ, વૈશાખ કે ચૈતર મહિનો માત્ર શબ્દો બની રહી ગયા છે. પરંતુ હોળી, ધૂળેટી જેવા સુંદર તહેવારોને આપણા જીવનમાં લાવનાર ફાગણ મહિનાનું એક અનોખું સૌંદર્ય છે.ફાગણ મહિનાની પૂર્ણિમા ફાગણ (ફાલ્ગુન) નક્ષત્રમાં હોવાના કારણે આ મહિનાનું નામ ફાગણ છે. આ મહિનો ઉત્સવોની સાથે સાથે આધ્યાત્મિકતાનો માસ પણ છે. ફાગણ મહિનામાં ચંદ્રનો જન્મ પણ માનવામાં આવે છે. આ મહિને ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ મહિનામાં ચંદ્રદેવની સાથે સાથે ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના વિશેષ કરવામાં આવે છે. આ મહિના પછી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે.આ મહિનો વસંત ઋતુનો મહિના તરીકે પણ ઓળખાય છે. ફાગણ મહિનો આવતા પ્રકૃતિ ખીલી ઉઠે છે. ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફાગણની અમાવાસ્યાનું પણ વિશેષ મહત્વ છે. ફાલ્ગુન શુક્લ પક્ષનો બીજો ભાગ ફુલીરા દૂજ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાધે શ્યામની પૂજા કરવામાં આવે છે. ફાગણ શુક્લ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે.ફાગણ પૂર્ણિમા પર હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપથી રક્ષણ મળ્યું તે માટે મનાવવામાં આવે છે. પ્રહલાદને તેની ફોઈબા હોળિકા જોડે અગ્નિમાં બેસાડવામાં આવ્યો હતો જેને અગ્નિથી હાનિ ન પામવાનું વરદાન હતું. પરંતુ હોળિકા બળી ગઇ જ્યારે પ્રહલાદને કંઇ ન થયું. ધુળેટી વસંતનો તહેવાર છે, જેને લોકો એકબીજા પર રંગો છાંટીને મનાવે છે.