મોરબી : મોરબીમાં એક ગોડાઉનમાંથી નશાકારક કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ ઝારખંડ સુધી લંબાતા મોરબી પોલીસની માહિતીને આધારે સ્થાનિક પોલીસે ત્યાંથી ૫૬ લાખની સીરપનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો છે.મળતી માહિતી અનુસાર, મોરબી પોલીસે તાજેતરમાં રૂ. ૧.૮૪ કરોડ સીરપનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે અનેક હકીકત વર્ણવી હતી. જે બાદ મોરબી પોલીસ તપાસ અર્થે ઝારખંડના ધનબાદ પહોંચી હતી.મોરબી પોલીસે માહિતી આપતા સ્થાનિક પોલીસની કાર્યવાહી દરમિયાન ધનબાદમાં કફ સિરપનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજે 56 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ દરોડો ધનબાદ પોલીસ, ગુજરાત પોલીસ, આરોગ્ય વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર અને મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બંધ વેરહાઉસનું તાળું તોડીને વેરહાઉસની અંદરથી કફ સિરપનો જંગી જથ્થો મળી આવ્યો હતો.વધુમાં પકડાયેલ રવિ નામનો આરોપી પાંચ દિવસના તા. 16 સુધીના રિમાન્ડ પર છે અને આ કેસમાં પોલીસની જુદી જુદી ત્રણ ટીમ તપાસ કરી રહી છે જેમાંથી એક ટીમ ઝારખંડ તપાસ અર્થે છે.