રાજકોટ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી રાત્રે 3.20 શ્રમિકને જીવીત બહાર કાઢ્યો : કાટમાળમાં હજુ કોઈ છે કે કેમ તપાસ કરાશેમોરબી : મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજમાં ગતરાત્રીના નવેક વાગ્યાના અરસામાં અંદાજે 1200 ફૂટ જેટલી છત ભરતી વખતે દુર્ઘટના સર્જાતા ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત બનવાની સાથે એક શ્રમિક છતના કાટમાળમાં દટાઈ જતા રાજકોટ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી સાત કલાકની જહેમત બાદ રાત્રે 3.20 શ્રમિકને જીવીત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર અંદાજે 500 કરોડના ખર્ચે નીરમાં થઇ રહેલી નવી મેડિકલ કોલેજમાં રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગતરાત્રીના મેડિકલ કોલેજની છત ભરતી વખતે ટેકા ખસી જતા અંદાજે 1200થી 1300 ફૂટની છત ધરાશયી થતા ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત બનતા મોરબીની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક શ્રમિક છતના કાટમાળ નીચે દટાઈ જતા સ્થાનિક ગેસ કટરના ધંધાર્થીઓંની મદદથી બહાર કાઢવા પ્રયાસો કરવાંમાં આવ્યા હતા અને બાદમાં મોરબી ફાયર બ્રિગેડે મોરચો સંભાળી શ્રમિકનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.બીજી તરફ મેડિકલ કોલેજનો બાંધકામ કોન્ટ્રાકટર ધરાવતી કતિરા કન્ટ્રકશન કંપની આવડી મોટી દુર્ઘટના સર્જાવા છતાં ક્યાંય ચિત્રમાં આવી ન હતી અને સ્થાનિક કલેકટર તંત્ર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ ઘટનાના કલાકો સુધી બનાવ સ્થળે ન ડોકાતા આશ્ચર્ય સર્જાયું હતું, જો કે બાદમાં રાજકોટ ફાયર બ્રિગેડની મદદ મંગાવામાં આવી હતી અને મોરબી તેમજ રાજકોટની ફાયર બ્રિગેડની ટીમે અંદાજે ઘટનાના સાત કલાક બાદ પાંચેક કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી રાત્રીના 3.20 કલાકે કાટમાળ હેઠળ દટાયેલા કેદારસાહું ઋતુસાહૂ નામના યુવાનને હેમખેમ જીવિત બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હોવાનું સત્તાવાર બહાર આવ્યું છે.