કલ્પના ચાવલા, ગીતા ફોગાટ, કિરણ બેદી, અરૂણિમા સિન્હા જેવી અનેક નારીઓ સ્ત્રીશક્તિના ઉત્તમ ઉદાહરણનારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવા ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમોરબી : કુદરતની અદ્વિતીય રચના અનોખું સર્જન એટલે નારી. સમગ્ર વિશ્વમાં ભારતવર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે ત્યારે ભારતમાં પ્રાચીન કાળથી જ સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે ”यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” આપણે ત્યાં લોકોક્તિ છે કે જો સ્ત્રી ધાર્યું કરે તો યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ પણ છોડાવી શકે.કોઈ પણ સમાજ, રાજય કે દેશના વિકાસનું આકલન જે તે સમાજ, રાજય કે દેશની મહિલાઓના વિકાસ પરથી કરી શકાય. કોઈ પણ સમાજ કે દેશના વિકાસમાં મહિલાઓનો વિકાસ ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ માટે સ્ત્રી સમય સાથે તાલથી તાલ મિલાવીને આગળ વધે તે આવશ્યક છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે.વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ સામેલ ન હોય. મહિલાઓ શિક્ષણ, નવીનતા અને ટેકનોલોજીનાં સમન્વયથી પોતાનો સર્વાંગી વિકાસ સાધે તે આવશ્યક છે. કહેવાય છે કે, 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે', જો મહિલા સુશિક્ષિત હશે તો 'સોનામાં સુગંધ ભળશે'. ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઈટેક વે૫ન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે૫ગે તૈનાત છે. અંતરિક્ષમાં ઓજસ પાથરતી કલ્પના ચાવલા, રેસલિંગની રાણી ગીતા ફોગાટ, પોલીસ પાવરનો પરચો બતાવતી આઈ.પી.એસ. કિરણ બેદી, ઉચ્ચતમ ન્યાયલયની ન્યાયાધીશ જસ્ટિસ ફાતિમા બીબી, શારીરિક અપંગતા છતાં દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અરૂણિમા સિન્હા, દરેક ક્ષેત્રમાં ભારતીય નારી શકિતનો ઝંડો શિખર પર લહેરાયો છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસઆંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો. તેના કરતા એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિનાના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ.