12 થી 16 માર્ચ શ્રીમદ સત્સંગીભૂષણ પંચાહન પારાયણ, અન્નકૂટ ઉત્સવ તથા રાત્રી કાર્યક્રમો યોજાશેહળવદ : હળવદ શહેરને આંગણે સ.ગુ. મહાનુભાવાનંદ સ્વામી નિર્મિત 108 વર્ષ પુરાતનીય શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર (જૂનું ટાવરવાળુ)નો આગામી તારીખ 12 થી 16 માર્ચ દરમ્યાન ધામધૂમથી વાર્ષિક પાટોત્સવ ઉજવાશે. જેમાં શ્રીમદ સત્સંગીભૂષણ પંચાહન પારાયણ તારીખ 12 થી 16 માર્ચ દરમ્યાન સામંત તળાવની પાળ - હળવદ મુકામે યોજાશે. જ્યાં પૂજ્ય ભક્તિનંદનદાસજી સ્વામી વક્તા પદે બિરાજમાન થઈ ભગવત ચરિત્રોની કથામૃતનું રસપાન કરાવશે.મહોત્સવ દરમ્યાન દરરોજ અવનવા અન્નકૂટ દર્શન યોજાશે. પાટોત્સવ કથામૃતના અવસરોમાં તારીખ 12ના રોજ પોથીયાત્રા સવારે 8:00 કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું ખારીવાડીથી નીકળી કથા સ્થળે પધારશે. સાંજે 5:30 કલાકે શ્રી ઘનશ્યામ જન્મોત્સવ, તારીખ 13ના રોજ શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક ઉત્સવ, તારીખ 14ના રોજ શ્રી સહજાનંદસ્વામીનો ગાદીપટ્ટાભિષેક, તારીખ 15ના રોજ શ્રી બીજમંત્ર અનુષ્ઠાન હોમ શ્રી હરિયાગ યજ્ઞ તથા તારીખ 16ના રોજ પ્રસાદી મંદિરમાં પાટોત્સવ પૂજન, શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવામાં આવશે. આ અવસરે ધામોધામથી પધારેલા સંતોના અમૃત વચનો અને યજમાનોના સન્માન સાથે મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવશે. મહાપ્રસાદ તા. 16ના રોજ બપોરે યોજાશે. મહોત્સવ દરમ્યાન રાત્રિ કાર્યક્રમમાં તારીખ 13ના રોજ મહિલામંચ, તારીખ 14ના રોજ યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તારીખ 15ના રોજ ભવ્ય રાસગરબા યોજાશે. આ પાવન પ્રસંગનો સર્વે હરિભક્તોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.