3 ઓપરેટરોને છુટા કરી દેવાયા અને બે ઓપરેટરોએ રાજીનામાં આપી દેતા સેન્ટર બંધ થયામોરબી : મોરબીના આધારકાર્ડ સેન્ટરોમાં લાલીયાવાડી જેવી સ્થિતિ હોવાનું સામે આવ્યાના અઠવાડીયામાં જ શહેરના આધારકાર્ડ સેન્ટરને તાળા લાગી જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. આ અંગે તપાસ કરતા ત્રણ આધાકાર્ડના ઓપરેટરોને મૌખિક છુટા કરી દીધા છે અને અન્ય બે ઓપરેટરો વર્ક લોર્ડ વધવાના અને પેનલ્ટીના કારણે રાજીનામાં આપી દીધા છે. જયારે એક ઓપરેટર બીમાર હોવાથી રજા ઉપર છે આમ બંને સેન્ટરમાં છ - છ ઓપરેટરો ન હોવાથી આ સેન્ટર બંધ થઇ ગયા છે.ઇન્કમટેક્સ રિટર્ન, ગેસ સબસીડી, શિષ્યવૃતિ, અને મરણના કિસ્સામાં પણ આધારકાર્ડ ફરજીયાત બનવાથી લોકો માટે આધારકાર્ડ અનિવાર્ય બન્યું છે ત્યારે મોરબીમાં રેવન્યુ વિભાગ દ્વારા ચાલતા શહેર અને તાલુકા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ સેન્ટર બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે અને દૂર દૂરથી આવતા લોકોને લાંબો સમય રાહ જોયા બાદ ધરમનો ધક્કો થાય છે. મોરબી તાલુકામાં 100 થી વધુ ગામો આવેલા છે અને મોરબી સીટીમાં પણ આશરે ત્રણ લાખ જેટલી વસ્તી છે. આ લોકોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર, સરનામું,સહિતનું અપડેટ કરવા અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું આધાર કાર્ડ કાઢવા માટે મોરબી શહેરમાં 3 કીટ અને તાલુકા મામલતદાર કચેરીમાં ત્રણ મળી કુલ 6 કીટ કાર્યરત હતી તેમાં પણ રીયાલીટી ચેકમાં છ માંથી ચાર કીટ જ ચાલુ હતી અને તેમાં પણ અવાર નવાર બંધ થઇ જતી હતી.વાંકાનેરથી મોરબી નવું આધારકાર્ડ કઢાવવા આવેલ ઘનશ્યામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નવું આધારકાર્ડ કઢાવવા માટે વાંકાનેર મામલતદાર કચેરીએ ગયો હતો ત્યાંથી મને મોરબી જવા કીધું, મોરબી તાલુકા મામલતદાર કચેરીએ સવારનો લાઈનમાં ઉભો હતો તો થોડા સમય પછી ત્યાંથી જણાવ્યું કે સેન્ટર બંધ છે શહેર મામલતદાર કચેરી જાવ, જેથી અહીં આવ્યા તો અહીં આધારકાર્ડ સેન્ટર જ બંધ છે. આમ ધરમનો ધક્કો થયો હોવાનું તેઓએ રોષભેર જણાવ્યું હતું.મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં -3, તાલુકામાં - 3, હળવદમાં -3, વાંકાનેરમાં -3 , ટંકારા અને માળીયામાં એક એક કીટ કાર્યરત છે આમાંથી હળવદ અને મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં જ એક એક કીટ નવા આધારકાર્ડ માટે કાર્યરત છે બાકી બધી આધારકાર્ડ અપડેટ માટે છે અને તેમાં મોરબીમાં બંધ થતા નવા કાર્ડ કઢાવવવા માટે લોકોને હાલમાં હાલકી પડી રહી હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર બંધ થવા અને આધાર કાર્ડના નોડલ અધિકારી અને અધિક કલેકટર એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે વર્ક લોર્ડ ઓછો હોવાને કારણે કીટ ઓછી કરવાની હતી. જેમાં ઓપરેટરોએ રાજીનામાં મૂકી દીધા છે. આગામી સમયમાં લોકોને સમસ્યા ન થાય તે માટે નવા ઓપરેટરો મૂકી, વ્યવસ્થિત અને સુચારુ તેમજ ઓછા સ્ટાફ અને કીટથી ચાલે એ રીતે સેન્ટર કાર્યરત કરાશે.મોરબીમાં કાર્યરત આધાર કાર્ડ સેન્ટરના ઓપરેટર દિશા સોલંકીએ જણાવ્યું હતું કે અમને ત્રણ ઓપરેટરોને મૌખિક સૂચના આપી છુટા કરી દેવાતા અન્ય બે ઓપરેટરોએ રાજીનામાં આપી દીધા છે. સાથે જ અન્ય એક ઓપરેટર બીમારીના કારણે રજા પર છે. અમને છુટા કરવાનું કારણ સીસ્ટમ ધીમી ચાલે છે તેના કારણે કામ ઓછું થાય છે. એમાં અમારો કોઈ વાંક નથી સિસ્ટમ જૂની હોવાને કારણે અને ટેક્નિકલ ખામીના કારણે ધીમી ચાલે છે. અધૂરામાં ઉપરથી આવતી અપડેટની અમોને જાણ ન કરતા. જે ભૂલ અંગેની અમોને પેનલ્ટી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લમાં છેલ્લા ચાર માસમાં જ 5.71 લાખની પેનલ્ટી આપવામાં આવી છે. અને અમારો બે મહિનાનો પગાર પણ થયો ન હોવાનું ઓપરેટરે જણાવ્યું હતું.