શનાળા રોડ ઉપર આનંદનગર નજીક ફિદાઇ પાર્કમાં બનેલી ઘટનામાં મહિલાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આનંદનગર નજીક ફિદાઇ પાર્કમાં માથાભારે શખ્સે આંતક મચાવી પોતાની વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કહી મહિલા પાછળ પાઇપ લઈને દોડી ફરિયાદીની કારમાં તોડફોડ કરતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આનંદનગર નજીક ફિદાઇ પાર્કમાં રહેતા સોનલબેન નુરૂદીનભાઈ કચરાણી ઉ.25નામના પરિણીતા ગઈકાલે તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે થાર કારમાં ધસી આવેલા આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવા રહે. મોરબી તુલશી પાર્ક, શનાળા બાયપાસ, મોરબી વાળાએ સોનલબેનને કહ્યું હતું કે, ત કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચે લેજે, આવું કહી બાદમાં ગાડીમાંથી પાઇપ કાઢી સોનલબેનને મારવા દોડતા સોનલબેન પોતાના ઘર નજીક રહેતા માતાપિતાના ઘર પાસે ચાલ્યા જતા બચી ગયા હતા. બાદમાં આરોપી નવઘણે સોનલ બેનની હોન્ડા અમેજ કારમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં માથાભારે આરોપી નવઘણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.