40 હજાર દિવાસળીથી બનાવાયું અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરાવતું રામ મંદિરહળવદ : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે ત્યારથી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભક્તો વિવિધ રીતે પ્રભુશ્રી રામ પ્રત્યે પોતાનો શ્રદ્ધા ભાવ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે હળવદના સુખપુર ગામના સંજયસિંહ મકવાણા નામના રામભક્તે દિવાસળીમાંથી ભગવાન શ્રી રામના અયોધ્યા સ્થિત મંદિરની ઝાંખી કરાવતું રામ મંદિર બનાવ્યું છે.મોરબી અપટેડ સાથે વાત કરતાં સંજયસિંહ ખુમાનસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી તેમણે દિવાસળીમાંથી રામ મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું અને ગત 1 માર્ચના રોજ મંદિર સંપૂર્ણ બન્યું હતું. આ મંદિર 3 બાય 3 ફૂટની સાઈઝનું છે અને મંદિરની ઉંચાઈ દોઢ ફૂટ છે. મંદિર બનાવવામાં તેમણે 40 હજાર જેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો છે. તમામ દિવાસળીને ફેવિકોલથી ચોંટાડીને તેમણે રામ મંદિર બનાવ્યું છે. આ રામ મંદિરનો વજન આશરે પાંચ કિલો જેટલો છે. સાથે જ સંજયસિંહ મકવાણાએ મંદિરની અંદર પ્રભુશ્રી રામનો ફોટો પણ સ્થાપિત કર્યો છે અને મંદિરને શણગારવા માટે તેમણે અંદર લાઈટિંગ પણ ગોઠવી છે. આ લાઈટ તેઓ રિમોટ કંટ્રોલથી ચાલુ-બંધ કરી શકે છે.સંજયસિંહ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, આ મંદિર અયોધ્યા ખાતેના રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભેટમાં આપવાની તેઓની ઈચ્છા છે. આમ સંજયસિંહ મકવાણાએ પ્રભુશ્રી રામ પ્રત્યેના પોતાના અનન્ય ભક્તિભાવને પ્રગટ કરીને ખૂબ જ પ્રેમભાવથી આ અનોખા મંદિરનું નિર્માણ કર્યું છે. સંજયસિંહ મકવાણાએ દિવાસળીમાંથી બનાવેલું આ મંદિર લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.