વર્ષ ૨૦૨૪ની થીમ છેઃ લોકો અને ગ્રહનું જોડાણઃ વન્યજીવન સંરક્ષણમાં ડિજિટલ ઈનોવેશનની શોધમોરબી : આ પૃથ્વી વિવિધ જીવોના સહજીવન અને સહસંબંધોના આધારે ટકેલી છે. માનવી ઉપરાંત પશુ-પંખી, જીવ-જંતુ, વન્યપ્રાણી-જીવનનું પણ પૃથ્વીના જીવનચક્રને સંતુલિત રાખવામાં ખૂબ મહત્વ છે. પશુ-પંખીઓ તો માનવ સમુદાયની આસપાસ જ સહજ રીતે વસતા હોય છે, પરંતુ વાત વન્યજીવનની આવે ત્યારે વિશેષ કાળજી માગી લે છે. પૃથ્વીના જીવનચક્રને તંદુરસ્ત રાખવા માટે વન્યજીવનનું સંવર્ધન અને સંરક્ષણ પણ એટલા જ મહત્ત્વના છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૩ માર્ચે ‘‘વિશ્વ વન્યજીવન દિવસ’’ મનાવવામાં આવે છે.યુ.એન.ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, વર્તમાન સમય ટેક્નોલોજીનો યુગ છે. આજે દુનિયાની ૬૬ ટકા વસતી સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને તેઓ કોઈને કોઈ રીતે ડિજિટલ ટેક્નોલોજી સાથે સંકળાયેલા છે. જો કે હજુ પણ વિશ્વના ૨૭૦ કરોડ (૨.૭ બિલિયન) લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી.આજે ડિજિટલ ટેક્નોલોજીનો રીસર્ચ, ટ્રેકિંગ, ડી.એન.એ. એનાલિસીસ સહિત અનેક શ્રેત્રોમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે વન્યજીવન સંરક્ષણમાં પણ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાના હેતુથી આ વર્ષની થીમ “લોકો અને ગ્રહનું જોડાણઃ વન્યજીવન સંરક્ષણમાં ડિજિટલ ઈનોવેશનની શોધ” નક્કી કરવામાં આવી છે. અનેક લોકો વન્યજીવન અને સંરક્ષણના અનુભવો, ટ્રેકિંગ વગેરેની વિગતો સોશિયલ મીડિયા, ઓનલાઈન શેર કરતા હોય છે, ત્યારે વિશ્વ વન્યજીવન દિવસ આવા યુવાનો-લોકો માટે માહિતી, ફોટોગ્રાફ સહિતની માહિતીના આદાનપ્રદાન માટે એક ઉત્તમ અવસર બની રહે છે. વન્ય જીવન સાથેના અનુભવોને ઓનલાઈન શેર કરવાથી અન્ય લોકો પણ તેનાથી માહિતગાર થાય છે અને તેના સંરક્ષણ માટે પ્રેરાય છે. મહત્વનું છે કે, ટેક્નોલોજીના ઉપયોગ સાથે વન્યજીવનને કોઈ ખલેલ ના પહોંચાડે તે પણ ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી - વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૩ માર્ચ ‘‘વિશ્વ વન્યજીવન દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. વન્યજીવો આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ પ્રથમ ‘‘વિશ્વ વન્યજીવન દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી.આખી દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે, ત્યારે તેના જતન-સંવર્ધન માટે વન્યજીવન દિનની ઉજવણી વિશેષ બની રહે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખતા ૨૦ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના ૬૮મા સત્રમાં, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૩ માર્ચે ‘‘વિશ્વ વન્યજીવન દિવસ’’ની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ૨૦૧૪થી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે.